કાયમી ભરતી નહીં કોન્ટ્રાક્ટની બોલબાલા, અન્ન-પુરવઠામાં બે વર્ષમાં 1196 કર્મચારીઓની કોન્ટ્રાક્ટથી ભરતી
Recruitment from outsourcing : ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના તાબા હેઠળના નિગમોમાં વર્ષ 2023માં 567, વર્ષ 2024માં 672 વ્યક્તિની સેવાઓ આઉટસોર્સિંગથી મેળવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
વિધાનસભાની પ્રશ્નોતરી દરમિયાન સરકારે સ્વીકાર્યું હતું કે બે વર્ષમાં 1196 કર્મચારીઓની ભરતી કોન્ટ્રાક્ટથી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટથી ભરતી અંગેના કારણો અંગે સરકાર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે, ‘ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ની મૂળ કામગીરીમાં થયેલા ઉત્તરોત્તર વધારા સામે નિગમના મંજૂર થયેલા 1431ના મહેકમ સામે વર્ષ 2023માં 459-વર્ષ 2024માં 419નું મહેકમ કાર્યરત હતું. વિવિધ કામગીરીને પહોંચી વળવા આ મહેકમ ઓછું હોવાથી કોન્ટ્રાક્ટથી ભરતી કરાઈ છે. ’
આ અંગે કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સરકારી પદો પર ભરતી ના કરી આઉટસોર્સિંગ - કોન્ટ્રાક્ટની સેવાઓમાં ભરતી કરી રાજ્ય સરકાર જે ષડયંત્ર ચલાવી રહી છે. મોટે ભાગે કાયમી જગ્યાઓ પર ભરતી કરવામાં આવતી નથી, આઉટસોર્સિંગથી ભરતી કરી યુવાનોનું શોષણ કરવામાં આવે છે. સમાન કામ સમાન વેતનની વાત માનવામાં નથી આવતી, અધિકાર આપવામાં નથી આવતો, એક જ બોર્ડ નિગમમાં આવું છે અને આજ રીતે રાજ્યના તમામ બોર્ડ નિગમમાં આજ સ્થિતિ છે.