બહારની ચીજો ખાતા પહેલાં ચેતજો! રાજકોટમાં 1150 કિલો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળ્યો
Food Department Raids In Rajkot: દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે અખાદ્ય પદાર્થો અને ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે છે. જેને લઈને લોકોના સ્વાસ્થ્યને મોટો ખતરો ઊભો થાય છે. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરના પેડક રોડ પર આવેલા રવિરાજ રેફ્રીજરેશન પેઢીના કોલ્ડ સ્ટોરેજ પર તપાસ હાથ ધરી હતી. જેમાં 1150 કિલો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળી આવતા ફૂડ વિભાગે કરી કાર્યવાહી છે.
રૂ. 3 લાખથી વધુના ફ્રુટ પલ્પના જથ્થાનો નાશ કરાયો
ફૂડ વિભાગ દ્વારા રવિરાજ રેફ્રિજરેશનના કોલ્ડ રૂમની તપાસ કરતાં અનહાઈજીનીક અને લેબલ વગરનો અખાદ્ય ફ્રુટ પલ્પનો જથ્થો મળી આવ્યો હતો. આ કોલ્ડ સ્ટોરેજમાં મેંગો પલ્પ 850 કિલો, સીતાફળ પલ્પ 250 કિલો, લેબલ વગરનો જથ્થો કોઈપણ જાતની ચોખ્ખાઈ વગર રાખવામાં આવ્યો હતો. સાથે જ અન્ય વાસી ફ્રૂટનો જથ્થો પણ મળી આવ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા 1150 કિલો ફ્રૂટ પલ્પના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 3,30,000 રૂપિયા હતી. આ ઉપરાંત પેઢીને યોગ્ય રીતે સ્ટોરેજ કરવા તથા સ્થળ પર ચોખ્ખાઈ જાળવવા, ખાદ્યચીજો પર કાયદા મુજબ લેબલ લગાવવા અને તેના પર વિગતો દર્શાવવા નોટિસ આપી હતી.
32 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લીધા
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા રાજકોટમાં અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 32 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પેટલાદમાં રેલ રોકો આંદોલન: લાંબા સમય સુધી બંધ રહેતી ફાટકના વિરોધમાં આખું ગામ ઉમટ્યું
21 ધંધાર્થિઓને ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી
ફૂડ વિભાગની ટીમ તથા FSW સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન મોરબી રોડ જકાતનાકા, ભગવતી પરા બ્રિજ, રૈયા ચોકડી અને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ વિસ્તારમાં આવેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોના કુલ 34 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી સપ્તાહને બદલે ફૂડ સેફ્ટી વર્ષ ઉજવે સરકાર
મહત્ત્વનું છે કે હાલ રાજ્યમાં ફૂડ સેફ્ટી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, તેના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. પરંતુ આખુ વર્ષ દરમિયાન અનેક તહેવારો કે પ્રસંગો ઉજવાતા હોય છે. અને તેમાં વિવિધ ખાદ્યા ચીજોનો ઉપયોગ થતો હોય છે. અનેક વખત ફૂડ પોઈઝનિંગના કિસ્સા પણ સામે આવે છે, ત્યારે સરકારે ફક્ત ફૂડ સેફ્ટી સપ્તાહને બદલે ફૂડ સેફ્ટી વર્ષની ઉજવણી કરવી જોઈએ. જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકી શકે.
આ પણ વાંચો: અસલામત સવારી: ચાલુ એસટી બસનું ટાયર નીકળી ગયું, મુસાફરોના જીવ થઈ ગયા અધ્ધર
ફક્ત દંડ થતો હોવાથી વેપારીઓ બેફામ
આવી બેદરકારી બહાર આવે કે દરોડા પડે ત્યારે તંત્ર જે તે વેપારીને ફક્ત દંડ કરીને છોડી મુકે છે. જેના કારણે આવા વેપારીઓને છુટો દોર મળી રહે છે. કોઈ કડક કાર્યવાહી કે જેલવાસની સજા ન થતી હોવાથી એજ વેપારીઓ નફાની લાલચમાં ફરી પાછા પોતાનો ગોરખધંધો શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું શરૂ કરી દે છે. ત્યારે સરકારે આવા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે.