Get The App

આણંદ અને ખેડા જિલ્લા પંચાયતના 1130 આરોગ્ય કર્મીઓની હડતાળ

Updated: Mar 18th, 2025

GS TEAM


Google News
Google News
આણંદ અને ખેડા જિલ્લા પંચાયતના 1130 આરોગ્ય કર્મીઓની હડતાળ 1 - image


- પડતર પ્રશ્નોની માંગણી સાથે રાજ્યવ્યાપી આંદોલન શરૂ

- ખેડાના 10 તાલુકાના 630 અને આણંદના 7 તાલુકાના 500 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા

નડિયાદ, આણંદ : રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈને રજૂઆતો કરી રહ્યા છે. છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મચારીઓએ રાજ્ય વ્યાપી આંદોલન શરૂ કર્યું છે. ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ આજે તા.૧૭ માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આંદોલનમાં જિલ્લા પંચાયતના ખેડા જિલ્લામાંથી ૬૩૦ જ્યારે આણંદ જિલ્લામાંથી ૫૦૦ મળીને ૧,૧૩૦થી વધુ આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાતા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યને લગતી સેવાઓ પર માઠી અસર થઈ હતી.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. છતાં તેમની માંગણીઓ સંતોષાતી નથી. ત્યારે આજે જિલ્લા પંચાયતના ખેડા જિલ્લાના ૬૩૦ અને આણંદ જિલ્લામાં ૫૦૦થી વધુ મળી ૧૧૩૦ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. તેમણે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, પંચાયત વિભાગના વર્ગ-૩ના એમપીએચડબ્લ્યૂ સહિતના કર્મીને ટેકનિકલ કેડરમાં સમાવવા, તે મુજબનો ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા રદ કરવા તેમજ સ્ટાફનર્સ (પંચાયત) કેડરોના નાણાકીય- વહીવટી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી છે. આ મુદ્દે ગાંધીનગરમાં અગાઉ દેખાવો પણ કર્યા હતા. છતાં સરકારે માંગણીઓ નહીં સ્વીકારતા હડતાલનો સહારો કર્મચારીઓએ લીધો છે. 

રાજ્યવ્યાપી હડતાળમાં ખેડા જિલ્લા પંચાયતના ૧૦ તાલુકાના ૬૩૦ જ્યારે આણંદ જિલ્લાના ૭ તાલુકાના ૫૦૦થી વધુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટો હડતાળમાં જોડાયા નથી. હડતાળના કારણે સર્વેલન્સ, મેલેરિયા, ટીબી, ચિકનગુનિયા સહિતની કામગીરીઓ, સગર્ભાની નોંધણી અટકી ગઈ છે. હડતાળના લીધે બાળકો અને સગર્ભાની રસીકરણની કામગીરી પર માઠી અસર પડશે. ત્યારે જ્યાં સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત્ રાખવાનો કર્મચારી સંઘે નિર્ણય લીધો છે. 

Tags :