સોમનાથ ખાતે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞાનો દિવ્ય પ્રારંભ

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
સોમનાથ ખાતે 111 કુંડી મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞાનો દિવ્ય પ્રારંભ 1 - image


જાપાન, રશીયા, યુક્રેનથી આવેલા વિદેશીઓ પણ મહાયજ્ઞામાં જોડાયા : વિશ્વ શાંતિ તથા સનાતન ધર્મના પ્રચાર-પ્રસારના હેતુથી યોજાયેલા ૧૧ દિવસીય મહાયજ્ઞા માટે વિશાળ યજ્ઞાશાળાનું નિર્માણ

પ્રભાસપાટણ, : સોમનાથ મહાદેવ મંદિર સાનિધ્યે ચોપાટીના મેદાન ઉપર  હિમાલયના સિધ્ધ સંત પાયલોટ બાબાના સાનિધ્ય સાથેનો 111 કુંડી મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર સોમનાથ મહાયજ્ઞાનો આજરોજ ભક્તિભાવ દબદબા સાથે પ્રારંભ થયો.

11  દિવસના આ યજ્ઞામાં 100થી 150 જેટલા વિદેશી પુરુષો અને મહિલાઓ-સંતો આમાં જોડાયેલ છે. જેમાં રશિયાનાં 70, યુક્રેનનાં 40 અને જાપાનનાં 30  વિદેશીઓનો સમાવેશ થાય છે. યજ્ઞામાં 151 બાય 151 ફૂટની વિશાળ યજ્ઞાશાળા 45 દિવસ મહેનત કરી બનાવાઇ છે. જે યજ્ઞાશાળા લોખંડ નહીં માત્ર ને માત્ર વાંસનાં બંબુઓ વપરાયા અને તેને જોડાણ પણ ખીલ્લીથી નહીં પરંતુ દોરીથી બાંધવામાં આવ્યા છે.

યજ્ઞાશાળા ફરતે જવેરા વાવવામાં આવ્યા છે. યજ્ઞામાં બાર જ્યોર્તિલિંગ પૂજન અને દરરોજ એક રૂદ્રનો યજ્ઞા થશે. અને આહૂતિ અપાશે જેમાં બે વખત ગાયનું જ ઘી વપરાશે. આ માટે ઘીના 100 ડબ્બા રાજસ્થાનના પથમેડા ગામથી મંગાવાયા છે. દિવસમાં બે વખત એવી આહુતિ અપાશે કે યજ્ઞાની જ્યોત લગભગ 20 થી 25 ફૂટ ઊંચી દર્શનમય બનશે.

કલકતાથી ખાસ આવેલ કારીગરોએ 45 દિવસ કામ કરી આ યજ્ઞાશાળા બનાવી છે.  તા. 9-1 સુધી ચાલનારા આ યજ્ઞાના આચાર્ય પંડિત જગદીશજી શાસ્ત્રી-દેવીધૂરા હિમાલય ઉત્તરાખંડ અને સહયજ્ઞાાચાર્ય પંડિત અશોકાનંદ શાસ્ત્રીજી સહિત 15 થી 20 પંડિતો શાસ્ત્રોક્ત વિધીથી યજ્ઞા કરાવશે.

યજ્ઞા પ્રારંભ પૂર્વે આજરોજ સોમનાથના રામ મંદિરથી યજ્ઞાશાળા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ડીજે ગાડી, 111 કળશધારી કુમારિકાઓ, 2 અશ્વસ્વારો, 4 બગી અને ગુજરાતમાંથી આવેલા અલગ-અલગ ક્ષેત્રના મહામંડલેશ્વરો ભગવાન શિવની ધૂન ભક્તિ અને જયજયકારા સાથે વાજતે-ગાજતે યજ્ઞાશાળા પહોંચી હતી. યજ્ઞાશાળા પ્રાંગણમાં શિવ પરિવાર, માઁ આદ્યશક્તિ તેમજ વિવિધ દેવોની પ્રતિકૃતિઓથી વાતાવરણને આધ્યાત્મક બનાવાયું છે. મૂળ નામ કપિલ અદ્વેત સોમનાથગીરી અને હાલ પાયલોટ બાબા તરીકે ઓળખાતા આ મહાયોગી મંડલેશ્વરે આજે સોમનાથ મહાદેવને ધજારોહણ કર્યું અને સોમેશ્વર પૂજા કરી તથા 8 જાન્યુઆરીનાં રોજ બાબા પાયલોટ સોમનાથ મહાદેવને અન્નકૂટનો થાળ ધરશે.


Google NewsGoogle News