જામનગરમાં 11 વર્ષીય બાળકી માટે મોબાઇલ સાબિત થયો જીવલેણ, ફોન લેવાની ના પાડતાં કર્યો આપઘાત
Jamnagar Self-Destruction Case : જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં મધુવન મેટલ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા માતાપ્રસાદ જાટવના 11 વર્ષીય પુત્રી માયાવતીબેન કે જેણે રવિવારે પોતાના રહેણાક મકાનમાં લોખંડની આડશમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેથી તરત જ 108 ની ટુકડીને બોલાવી લેતાં તે ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા માયાવતીબેનનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે કાજલબેન વિનોદભાઈ જાટવે પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને બાળકીના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.