ભાજપના ધારાસભ્યએ ઉતાવળે બનાવેલા 11 રોડ 4 મહિનામાં જ બિસ્માર, કરોડો રૂપિયાનો ધૂમાડો!
Bad Road Conditions Nadiad: નડિયાદ નગરપાલિકાએ માર્ચ 2024માં 3.14 કરોડ રૂપિયાના ખર્ચે 14 રોડ બનાવ્યા હતા. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ખાતમુહૂર્ત કરેલા 14 રોડમાંથી 11 રોડ પર ચાર માસમાં જ ગાબડાં પડી ગયા છે. પાલિકાએ માર્ગ મકાન વિભાગ ડાકોર પાસેથી રસ્તો બનાવવાનું મટીરીયલ અને શ્રમિકો લઈ પોતાના મોનીટરિંગ હેઠળ રસ્તા બનાવ્યા હતા. ત્યારે ચાર માસમાં જ રસ્તાઓ બિસ્માર બનતા પાલિકાએ ઈરાદાપુર્વક નબળી કામગીરી કરી કોન્ટ્રાક્ટરોને કામ અપાવવાનો કારસો રચ્યો હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે.
આ પણ વાંચો: નવસારીમાં પાણી પૂરવઠા વિભાગમાં કૌભાંડ! માત્ર કાગળ પર કામ બતાવી રૂ. 12.44 કરોડનું ફુલેકું ફેરવ્યું
લોકસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગે તે પહેલા જ રાજકીય નેતાઓએ મત બેન્ક સાચવી લેવા 11 માર્ચના રોજ નડિયાદના 14 રસ્તાની યાદી જાહેર કરી તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવી દેવા નિર્ણય લેવાયો હતો. જેનું નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાક્ટરને કામ આપવાનો પાલિકાનો કારસો
માર્ચ મહિનામાં જ રોડની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ 14 રોડમાંથી 11 રોડ પર ખાડા પડી ગયા હતા. ચોમાસાની શરૂઆત થતાં જ કેટલીક જગ્યાએ રોડ ધોવાઈ જવાનું શરૂ થયું છે. તો કેટલાક સ્થળોએ પાલિકાના અન્ય કામો માટે રોડ ખોદી નાખવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરોને હટાવીને નગર પાલિકાએ જાતે જ સીધો ખર્ચ કરીને બનાવેલા રોડમાં ચાર મહિનામાં જ ખાડા પડી જતાં નગર પાલિકાના વહિવટી અધિકારીઓ અને હોદ્દેદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ લાગ્યા છે. આ ઉપરાંત ભવિષ્યમાં મળતિયા કોન્ટ્રાક્ટરોને રસ્તાની મલાઈદાર કામગીરી આપી શકાય તે માટે પાલિકાએ ઈરાદાપૂર્વક નબળી કામગીરી કરી હોવાની પણ ચર્ચા છે.