મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો
Mahesana News : રાજ્યમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે મહેસાણાના શોભાસણ ગામ ખાતે લગ્નના વરઘોડામાં 11 જેટલાં લુખ્ખા તત્ત્વો નાચવા ઘુસી ગયા હતા. આ પછી વરઘોડામાંથી બહાર કાઢતા ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કરીને પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને એક મહિલા સહિત 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
લગ્નના વરઘોડામાં 11 શખ્સોએ કર્યો હુમલો
મળતી માહિતી મુજબ, મહેસાણાના શોભાસણ ગામ ખાતે લગ્નનો વરઘોડો નીકાળ્યો હતો. આ દરમિયાન અન્ય કુટુંબના શખ્સો વરઘોડોમાં ઘુસીને નાચવા લાગ્યા હતા. આ પછી પરિવારોએ એક મહિલા સહિત 11 લોકોને વરઘોડામાં નાચતા અટકાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેવામાં ટોળાએ ઘાતકી હથિયારો સાથે જાનૈયાઓ પર હુમલો કર્યો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વરઘોડા દરમિયાન હુમલો કરનારા મહિલા 11 શખ્સો વિરૂદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.