વેકેશનના કારણે સુરતીઓ બહાર ગામ જતાં પાલિકાએ મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરી, 11 લાખ લોકોને પાણી નહીં મળે
Surat : સુરતમાં હાલ દિવાળી વેકેશન શરુ થયું છે અને સુરતને કર્મભુમી બનાવી વસવાટ કરનારા અનેક લોકો પોતાના વતન પહોંચી રહ્યાં છે. આ દિવસોમાં સુરત શહેરની વસ્તીમાં ઘટાડો થયો હોવાથી પાણી પુરવઠાની માંગણી પણ ઘટશે. જેને ધ્યાને રાખીને સુરત પાલિકાએ વોટર વર્કસના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી છે. સુરત પાલિકાના વાલક ઇન્ટેક્વેલ ખાતે મેન્ટેનન્સની કામગીરીના પગલે મંગળવારે પાલિકાના પાંચ ઝોનમાં પાણી પુરવઠો મળશે નહીં. આ મેઈન્ટેનન્સ કામગીરીને પગલે પાલિકાના વરાછા, સરથાણા સેન્ટ્રલ, ઉધના અને લિંબાયત ઝોનના 11 લાખ લોકોને પાણી પુરવઠો આપી શકાશે નહીં.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. હાલમાં શહેરમાં વેકેશનનો માહોલ હોય પાલિકાએ વોટર વર્કસની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી પર ભાર મૂક્યો છે. જેના ભાગરુપે પાલિકાનાં વાલક ઇન્ટેક્વેલ ખાતે તા.12/11/2024 મંગળવારના રોજ એચ.ટી. સ્વીચ યાર્ડમાં રીપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. વાલક ઇન્ટેક્વેલથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી અને ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1500 મીમી વ્યાસની એમ.એસ.લાઇનોને જોડતી 1000 મીમી વ્યાસની નળીકા પર નવો બટરફ્લાય વાલ્વ મુકવાની કરવા માટે પણ આયોજન કરવામા આવ્યું છે.
આ સાથે સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર ક્લેરીફાયર અને વોટર ચેનલ ડીસા ઇન્ફેકશનની કામગીરી પણ હાથ ધરાશે. આ કામગીરીના ભાગરૂપે આગામી મંગળવાર એટલે કે 12 નવેમ્બરના રોજ સુરત પાલિકાના વરાછા ઝોન, સરથાણા ઝોન, સેન્ટ્રલ ઝોન, લીંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારના લોકોને પાણી પુરવઠો મળશે નહીં. આ પાંચ ઝોનમા 11 લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે. જોકે, હાલમાં વેકેશન હોય પાલિકા માટે આ કામગીરી સરળ બનશે. આ દિવસ દરમિયાન જે લોકો આ ઝોનમાં વસવાટ કરે છે તેવા લોકોને અસર થશે તેથી લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા લોકોને કરકસરપુર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.