Get The App

બાલાસિનોરના યશ મેડિકલ સ્ટોરમાંથી ગેરકાયદે ગર્ભપાતની 11 કિટ ઝડપાઈ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
બાલાસિનોરના યશ મેડિકલ સ્ટોરમાંથી ગેરકાયદે ગર્ભપાતની 11 કિટ ઝડપાઈ 1 - image


- ગોધરા વિભાગના ડ્રગ્સ ઈન્સપેક્ટરે છટકું ગોઠવ્યું

- અધિકારી માત્ર વિગતો નોંધી, મેડિકલ સ્ટોરના સંચાલકનું નિવેદન નોંધી જતા રહેતા તર્કવિતર્ક

બાલાસિનોર : બાલાસિનોરના એક મેડીકલ સ્ટોરમાં ગોધરા વિભાગના ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે છટકું ગોઠવી ગેરકાયદે ગર્ભપાત કરવાની ૧૧ કીટો ઝડપી પાડી હતી. જોકે, કીટો મળી આવ્યા બાદ અધિકારીએ માત્ર વિગતો નોંધી, મેડીકલ સ્ટોરના સંચાલકનું નિવેદન નોંધી જતા રહ્યા હતા. ત્યારે ગર્ભપાતની કીટો જપ્ત ન કરતા અનેક સવાલો ઉઠયા છે.

બાલાસિનોરમાં અંદાજે ૨૭ મેડીકલ સ્ટોર્સ આવેલા છે. મોટાભાગના મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટ વિના અન્ય વ્યક્તિઓને બેસાડીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપો છેલ્લા એક વર્ષથી લાગી રહ્યા હતા. તેવામાં બાલાસિનોર પાલિકા સામે આવેલા યશ મેડીકલ સ્ટોરમાં ગર્ભપાતની કીટ મળતી હોવાની બાતમી મળતા ગોધરા વિભાગના ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે છટકું ગોઠવ્યું હતું. ડ્રગ્સ ઈન્સ્પેક્ટરે એક યુવકને ગર્ભપાત માટે આપવામાં આવતી કીટ લેવા મોકલ્યો હતો. યુવક પાસે ડોક્ટરના અભિપ્રાયવાળું લખાણ ન હોવા છતાં માત્ર નાણાં મેળવવા માટે મેડીકલ સ્ટોરના સંચાલક દ્વારા કીટ આપવામાં આવી હતી. તે સમયે ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા રેડ કરતા ગર્ભપાતની ૧૧ કીટો મળી આવી હતી. આ અંગે ડ્રગ્સ ઈન્સ્પેક્ટર દ્વારા ગેરકાયદે કીટ રાખનારા યશ મેડીકલના સંચાલક દિલીપ ઠાકોરના નિવેદન લઈ, મળી આવેલી કીટની વિગતો લખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મેડીકલ સ્ટોરમાં દરોડો પડયો હોવાનું ખૂલતા અન્ય મેડીકલ સ્ટોરના સંચાલકો દુકાનો બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.

જપ્ત કરવાની સત્તા પીએનડીટી વિભાગની : ડ્રગ્સ ઈન્સ્પેક્ટર

ગર્ભપાતની ૧૧ કીટ મળી આવ્યા બાદ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર માત્ર નિવેદન લઈને દવાઓ મેડીકલ સ્ટોરમાં રાખીને જતા રહ્યા હતા. ડ્રગ્સ ઈન્સ્પેક્ટર કૃણાલ વારલેકરે જણાવ્યું હતું કે, આ કીટો જપ્ત કરવાની સત્તા પીએનડીટી એક્ટ વિભાગ કરી શકે છે.  

અમારી કોઈ સત્તા નથી જિલ્લા આરોગ્ય અધિકારી

મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર. પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે કીટ જપ્ત કરવાની કોઈ સત્તા નથી. એ ડ્રગ્સ વિભાગ કરી શકે છે. 


Google NewsGoogle News