બેચરાજીમાં અજાણ્યા ફળ ખાવાથી 11 બાળકોને ફૂડ પોઈઝનિંગ, સિવિલમાં દાખલ તમામની હાલત સ્થિર
Children Got Food Poisoning in Becharaji: મહેસાણાના બેચરાજી તાલુકાના દેલપુરા ગામની શાળામાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. 11 જેટલા બાળકો ઝેરી ફળ ખાઈ લેતાં ફૂડ પોઇઝનિંગ થયું હતું. આ બાળકોને બહુચરાજી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહેસાણા સિવિલમાં દાખલ કરાયા હતા.
આ તમામ બાળકોની તબિયત સ્થિર
મળતી માહિતી અનુસાર, બેચરાજીના દેલપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાના 11 જેટલા બાળકોએ રતન જ્યોત નામના વૃક્ષના ફળ ખાઈ લીધા હતા. આ ઝેરી ફળ ખાઈ લેતાં બાળકો ફૂડ પોઇઝનિંગ થયું હતું અને 108 મારફતે સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ ડૉક્ટરનું કહેવું છે કે, 'આ તમામ બાળકોની તબિયત સ્થિર છે.'
બાળકોના વાલીઓના જણાવ્યાનુસાર, 'ત્રણ બાળકોએ જ્યોત નામના વૃક્ષનું ફળ ખાધું હતું. તેમને મીઠું લાગતા બાકીના બાળકોએ પણ ખાધું હતું. જોકે, બાળકો સાંજે ઘરે આવ્યા પછી તેમને પેટમાં દુ:ખાવો, ઉલટી, બળતરા થવા લાગી હતી જેના કારણે તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.'