Get The App

આંદોલનકારી વ્યાયામ વીરોની ગુજરાત વિધાનસભા તરફ કૂચ, પહોંચે તે પહેલા જ અટકાયત

Updated: Mar 26th, 2025


Google News
Google News
આંદોલનકારી વ્યાયામ વીરોની ગુજરાત વિધાનસભા તરફ કૂચ, પહોંચે તે પહેલા જ અટકાયત 1 - image


Khel Sahayak Protest in Gandhinagar: ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે, આજે હડતાળનો દસમો દિવસ હોવા છતાં વ્યાયમ શિક્ષકો પોતાની માંગોને લઈને અડગ છે. જોકે વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરી હતી. જ્યાં ગેટ નંબર 1 તરફ જાય તે પહેલાં પોલીસેે તેમની અટકાયત શરુ કરી હતી. આ દરમિયાન આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો આક્રમક મૂડમાં દેખાયા હતા.

આંદોલનકારીઓનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર ઍલર્ટ મોડમાં આવી ગયું છે. તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માગને લઈને અડગ છે અને માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: આંદોલન બાદ ખેલ સહાયક ભરતીની યાદી જાહેર કરવાનું સરકારનું નાટક, ફક્ત 1,465 લોકોનો કરાર રિન્યુ કરાશે

શું છે વ્યાયામ શિક્ષકોની માંગણી

• ગુજરાત રાજ્યમાં  છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.

• રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે.

•  રાજ્યમાં વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી કરી નથી તો તેને ધ્યાનમાં રાખીને નવો જી.આર. નવું માળખું રચવામાં આવે અને સત્વરે કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવે.

ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો, વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે. 

એ ધ્યાને લઈ ગુજરાત સરકાર પાસે શિક્ષણ વિભાગનો નીતિવિષયક સ્વતંત્ર હવાલો હોય, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનું નામ ભારત તેમજ વિશ્વમાં ઊંચું કરે તેવા ભવિષ્યના રમતવીરો, ખેલાડીઓ તૈયાર થાય. બાળકના સર્વાગી તન-મનના વિકાસ માટે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને આધારે આ વિષયને પૂર્ણકાલીન ગણી અને SAT પરીક્ષાને વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માટેની લાયકાત ગણી ભરતી કરવામાં આવે. 

આ પણ વાંચો: આરોગ્ય વિભાગના 2000 કર્મચારીઓને આંદોલન ભારે પડ્યું, સરકારનું નોકરીમાંથી પાણીચું

વ્યાયામ શિક્ષકોની સાથે બાળકોને પણ અન્યાય 

ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકો માટે 'ખેલ સહાયક યોજના' અમલમાં મૂકી છે જેનો તે સ્વીકાર કરી રહ્યા નથી. આ યોજના વ્યાયામ શિક્ષકો અને રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી. બાળકને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય, અને એક લેવલ સુધી બાળક આગળ વધી રહ્યું હોય ત્યાં સુધીમાં તો કરાર આધારિત વ્યાયમ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવે છે. જેથી બાળક બીજા લેવલ સુધી આગળ વધી શકતું નથી. આ યોજનામાં વ્યાયામ શિક્ષકોને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું છે. 

કોઈ પણ જાતની માહિતી કે પરિપત્ર વગર છૂટા કરી દેવાય છે 

વ્યાયામા શિક્ષકોનું કહેવું છે કે 'આ યોજનામાં શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોનું હિત જળવાતું નથી. 11 માસના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યના તમામ ખેલ સહાયક માટે રજાના નિયમો એક સરખા નથી. 11 મહિનામાં વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય તે અંગે કોઈ ખુલાસો નથી. ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે'. 

કરાર આધારિત નોકરીમાં પણ પગારના ધાંધિયા

રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈપણ અધિકારી પાસે કોઈ પણ માહિતી નથી. રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે અમુક જિલ્લાઓમાં પગાર થતો જ નથી. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છુટ્ટા કરવાનો ઑફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે. જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર થયો નથી. નવેસરથી રિન્યૂ કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે, જોકે તેની કોઈ જરૂર જણાતી નથી. 

 ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરાતી

વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો છે કે 'તેઓ છેલ્લા એક વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે, અનેક આવેદન પત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં નથી આવતું, અને કાયમી કરવામાં નથી આવતા, જેથી આજે ગાંધીનગરમાં રેલી સ્વરૂપે આવીને માંગ કરી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી જ નથી.  જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે'.

Tags :