વડોદરાથી અયોધ્યા મોકલાશે 3 ભેટ, 1100 કિલોનો દીવો, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
વડોદરાથી અયોધ્યા મોકલાશે 3 ભેટ, 1100 કિલોનો દીવો, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ 1 - image

Ayodhya Ram Mandir : વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તા.22 જાન્યુઆરી 2024 ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે. આ દિવસે નવા બનેલા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આ માટે વડોદરામાંથી રામભક્તો અને ગોપાલક સમાજના આગેવાનોએ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબત્તી તા.31 ડિસેમ્બરે અયોધ્યા જવા રવાના કરાશે. તેની સાથે સાથે હવે વડોદરામાંથી 1100 કિલો વજનનો ભવ્ય દીવો  અને પિતળની તકતીઓ પણ અયોધ્યા મોકલવાની તૈયારી ચાલી રહી છે.

1. વડોદરામાં તૈયાર થયો 1100 કિલો વજનનો દીવો

22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે. અહીં ભાયલીમાં રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે આ 1100 કિલોનો આ દીવો બનાવડાવ્યો છે. તેમનુ કહેવુ છે કે, વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થયુ હતુ કે, આ સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ. એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવાનું કામ શરુ કરાવ્યું. મકરપુરા જીઆઈડીસીના એક કારખાનામાં 10 જેટલા કારીગરોએ 12 દિવસમાં રોજ સતત 24 કલાક કામ કરીને આ દીવો બનાવ્યો છે. સ્ટીલમાંથી બનેલા દીવા પર રંગ કરાયો છે, જેનું કુલ વજન 1100 કિલો છે.

દીવામાં 501 કિલો ઘી પૂરી શકાશે

અરવિંદભાઈ કહે છે કે, દીવાની ઉંચાઈ સવા નવ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી છે. તેની ઊંડાઈ એક ફૂટ રખાઈ છે. આ દીવામાં 501 કિલો ઘી પૂરી શકાશે. તેને પ્રગટાવવા માટે ચાર ફૂટની મશાલ અને 15 કિલો રુની દિવેટ પણ તૈયાર કરાવી છે. એક વખત જો દીવાને પ્રગટાવવામાં આવે તો બે મહિના કરતા વધારે સમય સુધી તે પ્રકાશ આપતો રહે તેવું અમારું અનુમાન છે. દીવા પર ચઢવા એક સીડીની પણ વ્યવસ્થા કરી છે. 

વડોદરાથી અયોધ્યા મોકલાશે 3 ભેટ, 1100 કિલોનો દીવો, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ 2 - image

દીવાને અયોધ્યા લઈ જવાશે

આ દીવાને ટ્રકમાં અયોધ્યા મોકલવાની યોજના છે. અયોધ્યામાં મંદિર તરફથી મંજૂરી પણ જરુરી છે અને આ માટે શહેર ભાજપ પ્રમુખ તેમજ સાંસદ સહિતના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંજૂરી મળશે તે પછી દીવાને અયોધ્યા રવાના કરવા માટેની તારીખ જાહેર કરીશું.

2. વડોદરામાં રામ મંદિર માટે બનાવાઈ 108 ફૂટ લાંબી અગરબત્તી

અયોધ્યાના ઐતિહાસિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવાઈ છે. આ અગરબત્તીને વડોદરાના દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરાઈ છે. 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરાયો છે. ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષા સાથે  અયોધ્યા લઈ જવામાં આવી રહી છે. આશરે 1,200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે.

અગરબત્તીનું વજન 3500 કિલો અને લંબાઈ 108 ફૂટ

આ અગરબત્તી તૈયાર કરનાર વડોદરાના ગોપાલક વિહાભાઈ ભરવાડએ કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે. અગરબત્તી 108 ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પહોળી છે. અગરબત્તીમાં ગુગળ, કોપરાનું છીણ, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયના છાણનો પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે. અગરબત્તી તૈયાર કરતા છ મહિનાનો સમય લાગ્યો છે.

વડોદરાથી અયોધ્યા મોકલાશે 3 ભેટ, 1100 કિલોનો દીવો, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ 3 - image

3. વડોદરામાં રામ મંદિર માટે બની રહી છે તકતીઓ

આવી જ રીતે વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં બરોડા મેટલ લેબલ વર્કર્સમાં 16 દિવસથી રામ મંદિરમાં માટે ભગવાન રામની મહિમાઓનું વર્ણન કરતી પિત્તળની તકતીઓ બનાવાઈ છે. રામાયણની ગ્રાથાને કોમ્પ્યુટરાઈઝ્ડ એન્ગ્રેવિંગ મશીન વડે હિન્દી અને અંગ્રેજીમાં તૈયાર કરાઈ રહી છે. જેમાં ચાર મોટી અને ચાર નાની મળીને કુલ આઠ તકતી તૈયાર કરાશે. આ તકતીઓને મુહૂર્ત જોઈને રામ મંદિર માટે લઈ જવામાં આવશે અને તેને ભેટ કરાશે.

વડોદરાથી અયોધ્યા મોકલાશે 3 ભેટ, 1100 કિલોનો દીવો, 108 ફૂટની અગરબત્તી અને પિત્તળની તકતીઓ 4 - image



Google NewsGoogle News