સુરતમાં 108 એમ્બ્યુલન્સે સાયકલ સવાર બાળકીને અડફેટે લીધી, તેમાં જ સારવાર માટે ખસેડાઈ
Road Accident In Surat: સુરતના અડાજણમાં 108 એમ્બ્યુલન્સે એક બાળકીને અડફેટે લીધી હતી. 10 વર્ષીય બાળકી સાયકલ પર રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક 108 એમ્બ્યુલન્સ ચાલકે તેને અડફેટે લઈને ઊડાવી હતી. બાળકીને ઈજા પહોંચતા તે જ એમ્બ્યુલન્સમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. શનિવારે (22મી ફેબ્રુઆરી) સર્જાયેલા આ અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
બાળકીને સામાન્ય ઈજાઓ પહોંચી
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ નજીક 108 એમ્બ્યુલન્સે સાયકલ સવાર ખનક મેવાડાને અડફેટે લીધી હતી. રોડ ક્રોસ કરતાં સમયે આ ઘટના બની હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ બાળકીને જે એમ્બ્યુલન્સ દ્વારા અકસ્માત સર્જાયો હતો, તે જ એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. સદનસીબે બાળકીને સામાન્ય ઈજા હોવાથી બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને 108ની માનવતાનો આભાર માન્યો હતો.