બેદરકારી: GPSC દ્વારા લેવાયેલી 20 જેટલી પરીક્ષામાં 107 પ્રશ્નો ખોટા પૂછાયા, વિકલ્પો પણ બદલ્યાં
GPSC Exam: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ખાસ તો પ્રાથમિક એટલે કે પ્રિલિમ પરીક્ષામાં વારંવાર ભૂલો સાથેના પ્રશ્નો કે પ્રશ્નોના વિકલ્પો પૂછવામાં આવે છે. ત્યારે હવે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં જાણવા મળ્યું કે 20 જેટલી પરીક્ષામાં સવાલો અને તેના જવાબ સંદર્ભની ભૂલો કરવામાં આવી હતી. જેના પરિણામે સવાલ કેન્સલ તેમજ વિકલ્પો બદલવામાં આવ્યા હતા.
જીપીએસસી દ્વારા કુલ 280 સુધારા કરવામાં આવ્યા
જીપીએસસી દ્વારા આ 20 જેટલી પરીક્ષામાં વિકલ્પ બદલવાની અને સવાલ કેન્સલ કરવાના કુલ 280 સુધારા કરવામાં આવ્યા હતા. જેમાં 107 સવાલો કેન્સલ કરવામાં આવ્યા જ્યારે 173 વિકલ્પો ફાઇનલ આન્સર કીમાં બદલવામાં આવ્યા હતા. સૌથી વધુ ભૂલો કરવામાં આવી હોય એવી પરીક્ષામાં ખાસ તો, જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 47/2023-24ની ફાઇનલ આન્સર કીમાં સુધારો કરવામાં આવ્યો.
વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 9 સવાલો રદ કર્યા
જીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 9 સવાલો રદ કરવામાં આવ્યા અને 1 અને 2 પેપરમાં મળીને કુલ 22 સવાલોના જવાબમાં સુધારા કરવામાં આવ્યા હતા. હવે આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત નાગરિક સેવાઓ, વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત મ્યુનિસિપલ મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2માં પસંદગી પામી રાજ્યનું પ્રશાસન ચલાવવાના હોય છતાં જીપીએસસીને ગંભીરતા લાગતી નથી.
પ્રિલિમ પરીક્ષા પછી આન્સર કી જાહેર કરાય છે
આ ઉપરાંત, ડેપ્યુટી સેકશન ઓફિસર અને મામલતદાર માટેની જાહેરાત ક્રમાંક 42/ 2023-24માં 8 સવાલો રદ્દ કરવામાં આવ્યા અને 18 જવાબ ફાઇનલ આન્સર કીમાં સુધારી દેવામાં આવ્યા હતા. જીપીએસસીના નિયમ પ્રમાણે પ્રથમ જાહેરાત બહાર પાડવામાં આવે છે ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવે છે. તે પછી જ વર્ગ 1 અને 2 માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે અને ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે. પ્રિલિમ પરીક્ષા પછી આન્સર કી જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક પેટર્ન ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવે છે જેમાં રદ થયેલા સવાલ કે બદલાયેલા જવાબહોય તો તે પણ જાહેર કરવામાં આવે છે.
જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષામાં વારંવાર ભૂલો સામે આવે છે
હવે જ્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેવું અગત્યનું સરકારનું એક તંત્ર પરીક્ષા લેતું હોય ત્યારે તેમાં પૂછવામાં આવતા સવાલો કેટલા સચોટ રીતે પૂછવા તેની ગંભીરતા અને જવાબદારી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની હોય છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા છેલ્લે લેવામાં આવેલી વર્ષ 2021-22 વર્ષ 2022-23 અને વર્ષ 2023-24 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાઓમાંથી 20 જેટલી પરીક્ષાઓના પ્રિલિમના પ્રશ્નની આન્સર કી ચેક કરવામાં આવી હતી. આ ફાઇનલ આન્સર કી એટલે કે ચકાસેલ ઉત્તરો અને બદલાવેલા સવાલો કે કેન્સલ થયેલા સવાલો વિશેના અભ્યાસ પછી જાણવા મળ્યું કે જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં મોટાભાગે વારંવાર ભૂલો સામે આવે છે.