વડોદરાના લક્ષ્મીચંદ છતાણીને 104 વર્ષની ઉમરે નખમાં પણ રોગ નથી, ચશ્મા વગર છાપુ વાંચે છે
પાકિસ્તાનના હૈદ્રાબાદમાં 1921માં જન્મ થયો, 1947માં ભારત આવ્યા, 104 વર્ષે નથી ડાયાબિટીઝ, નથી બ્લડ પ્રેશર કે નથી હૃદયરોગની સમસ્યા
વડોદરા : સુખ અને દુઃખ, આપદા અને અવસર, સંઘર્ષ અને સફળતા. આ દ્વંદ વચ્ચે ૨૦૨૪નું વર્ષ વિતી ગયું. નવા પડકારો, આશાઓ અને અપેક્ષા સાથે નવા વર્ષનો પ્રારંભ થયો છે. આ પૃથ્વી ઉપર વર્તમાનમાં સૌથી મોટો પડકાર સ્વસ્થ જીવનનો છે. અનેક જીવલેણ બીમારીઓથી ઘેરાયેલો માનવી સ્વસ્થ જીવન માટે સંઘર્ષ કરી રહ્યો છે. વડોદરાના લક્ષ્મીચંદ છતાણી ૧૦૪ વર્ષની ઉમરે સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓને નખમાં પણ રોગ નથી. જાણીને આશ્ચર્ય થશે કે હજુ સુધી તેઓને ચશ્મા આવ્યા નથી. જો કે હવે સંતાનો અલગ રહેતા હોવાથી અને પત્નીનું ૧૭ વર્ષ પહેલા અવસાન થઇ ગયુ હોવાથી તેઓને જિંદગીની આ એકલતા જેલ જેવી લાગી રહી છે.
લક્ષ્મીચંદ નેનુમલ છતાણી ઉર્ફે ' શ્યામ' વડોદરાના વારસીયા વિસ્તારમાં રહે છે. બે ચોપડી (બે ધોરણ) ભણેલા લક્ષ્મીચંદજી ઉર્દૂ, ફારસી જબાન ઉપર ગજબની પકડ ધરાવે છે. તેઓ આ ઉમરે પણ ગઝલ - નઝમ ગાય છે તો એવુ લાગે કે કોઇ ઉત્તમ તાલીમ પામેલા ગાયક ગાઇ રહ્યા છે. ઘરમાં પણ સામાન્ય બોલચાલમાં પણ તેઓ ઉર્દૂ બોલે છે. વિતેલી એક સદી દરમિયાન તેઓએ પાકિસ્તાન અને ભારતના અનેક નામી - અનામી શાયરો, ગઝલાકારો સાથે સંગત કરી છે. ઉચ્ચ દરજ્જાના શાયરો તેમની પાસે ઉર્દૂ શીખવા માટે આવતા હતા. જાહોજહાલી ભરી જિંદગીથી લઇને એકાંત જિંદગી સુધીની સફરની વાત શરૃ કરતા પહેલા લક્ષ્મીચંદજી, સાગર સિદ્દીકીની ગઝલનો એક શેર ગાઇને સંભળાવે છે કે '' જિંદગી 'જબ્ર એ મુસલસલ' (અત્યાચારોની હારમાળા) કી તરહ કાટી હૈ, જાને કિસ જુર્મ કી પાયી હૈ સજા યાદ નહી''
26 વર્ષની ભર યુવાનીમાં 'બે વતન' થવુ પડયુ, પહેરેલે કપડે પાકિસ્તાન છોડી ભારત આવ્યા
મે મુઆફી ચાહુંગા જનાબ, મેરી જબાન ઉર્દૂ હે. મે ઉસી જબાનમે આપ સે ગુફ્તગુ કર પાઉંગા... લખનૌના કોઇ શાયર વાત કરતા હોય તેવા અત્યંત વિનમ્ર લહેજા સાથે લક્ષ્મીચંદજી વાત શરૃ કરે છે. 'મારો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૨૧ના રોજ પાકિસ્તાનના હૈદ્રાબાદમાં થયો. પિતા નેનુમલ રામચંદ છતાણી બર્મા શેલ કંપનીમાં ઉચ્ચ અધિકારી હતા. માતા લીલાવતી બેન સ્કૂલમાં ગયા નહતા તેમ છતાં પર્સિયન, ઉર્દૂ, ઇંગ્લીશ, સંસ્કૃત, હિન્દી, ગુરૃમુખી અને સિંધી એમ સાત ભાષા જાણતા હતા. એક બહેન અને અમે ચાર ભાઇ એમ સાત જણનો પરિવાર ૧૪ ઓરડાની આલીશાન કોઠીમાં રહેતા હતા. હું માત્ર બે ધોરણ ભણ્યો. ઉર્દુ શેર-શાયરીનો ગઝબનો શોખ એટલે મહેફીલોમાં મારો સમય વિતતો હતો. નૂરજહાં બેગમ, મિર્ઝા કરીમ બક્ષ સાહેબ, જોહરાબાઇ, ખુરશીદ બહેન જેવા દિગ્ગજ કલાકારોની સંગત રહેતી હતી. ૧૯૪૭માં ભાગલા પડયા. મારી ઉમર ત્યારે ૨૬ વર્ષની હતી. મને તારીખ યાદ નથી પણ ૧૯૪૭ના ડિસેમ્બર મહિનામાં જાહોજહાલી છોડીને બે વતન (વતનથી છુટાપડવુ) થવુ પડયું. ઘરમાંથી કિંમતી સામાન અને ટિફીન લઇને અમે રેલવે સ્ટેશન ઉપર આવ્યા. અહી ટોળુ અમને ઘેરી વળ્યું. બધુ લૂંટી લીધુ. ટિફિન પણ લઇ લીધુ. અમારા પરિવારને ખુબ માર માર્યો. જેમ તેમ કરીને અમે ટ્રેનમાં સવાર થયા અને બે દિવસની સફર બાદ અજમેર પહોંચ્યા. અહી બે વર્ષ પરિવારે ખુબ મજુરી કરી અને વડોદરા આવવાનુ થયું.
પ્રતાપસિંહ મહારાજ અમારા માટે ભગવાન છે, તેમનો અહેસાન કોઇ પણ રીતે ચુકવી શકાય નહી
૧૯૪૯માં વડોદરામાં મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે પાકિસ્તાનમાંથી આવેલા હિન્દુઓ માટે હરણી વિસ્તારમાં મિલીટ્રી કેમ્પ ખાલી કરીને ત્યાં કોલોની વસાવી. અમારો પરિવાર અજમેરથી વડોદરા આવીને હરણી વિસ્તારમાં કોલોનીમાં સ્થાયી થયો. મહારાજાએ અહી રહેવા માટે મકાન, વેપાર માટે દુકાન, મફત ભોજન અને વેપાર માટેની તાલીમની વ્યવસ્થા કરી. તેમનો અહેસાન કોઇ પણ રીતે ચુકવી શકાય નહી. તેમની મહાનતા તો એ હતી કે સમયાંતરે તેઓ ખુદ કોલોનીમાં આવતા અને તમામને મળીને ખબર અંતર પુછતા હતા. ફાધરે પહેલા ચાની દુકાન ખોલી હતી. આખો પરિવાર મજુરી કરતો હતો ત્યારે મહિને માંડ ૫૦ રૃપિયા મળતા હતા.
પત્ની અને દીકરીનુ અવસાન થયુ, પુત્રો અલગ રહે છે, ઘરમાં એકલતા કોરી ખાય છે
પરિવારમાં અમે ભાઇઓ મોટા થતાં અલગ થવા લાગ્યા. કોઇએ ચાની દુકાન સંભાળી કોઇ શાકભાજીની લારી ચલાવતો. હું નેશનલ લોન્ડ્રીમાં કામમાં લાગ્યો. અમે ૧૯૫૫માં બાજવાડામાં રહેવા આવી ગયા હતા.૧૯૫૭માં અમદાવાદની યુવતી શીલા સાથે મારા લગ્ન થયા. લગ્ન જીવન દરમિયાન ૩ દીકરા અને દીકરી થયા. સમય જતા અમે વારસીયામાં રહેવા આવી ગયા. વર્ષ ૨૦૦૭માં મારી પત્નીનુ અવસાન થયુ. મારી પુત્રીનુ થોડા વર્ષ પહેલા ૬૩ વર્ષની વર્ષે અવસાન થયુ. ત્રણ પુત્રો હયાત છે તેઓ પોતાના પરિવાર સાથે અલગ-અલગ રહે છે. હું અહી ઘરની ચાર દિવારોમાં કેદ છું. એકલતા કોરી ખાય છે.
લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટેની દવા મફત છે અને તે છે ચાલતા રહો
મને જોઇને લોકોને આશ્ચર્ય થાય છે કે ૧૦૪ વર્ષની ઉમરે પણ હું સ્વસ્થ છું. લોકો માની શક્તા નથી કે મારી ઉમર ૧૦૪ વર્ષની છે. ૩ મહિના પહેલા પડી જતાં મારા ડાબા પગના થાપાનું ઓપરેશન થયુ છે એટલે હાલમા ઘોડીના સહારે ચાલુ છું. જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ...ની જેમ વર્ષ ૨૦૦૩ (૮૨ વર્ષની ઉમર) સુધી તો હું રોજ ૧૦ થી ૧૨ કિ.મી. ચાલતો હતો. પછી ચાલવાનું ઓછુ થઇ ગયુ તેમ છતા રોજ ચાર પાંચ કિ.મી. ચાલતો જ હતો. હમણા પગ ભાંગ્યો એટલે ચલાતુ નથી. રોજ સવારે ઉઠીને કડવા લીમડાના પાંદડા ચાવી જઉ છું. આયુર્વેદ દવાઓ જ લઉ છું. મને શરીરની કોઇ બિમારી નથી. ડાયાબિટીઝ નથી, બ્લડ પ્રેશર નથી, હૃદય રોગની કોઇ સમસ્યા નથી. દાંત છે. આંખોમાં ચશ્મા નથી આવ્યા. રોજ સવારે છાપુ વાંચુ છું. લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટેની દવા મફત છે અને તે છે ચાલતા રહો.