રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અત્યાર સુધી 101 બાળકોને ભરખી ગયો, વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ આપી માહિતી
Rushikesh Patel Gave Information About Chandipura Virus Case: રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને વાઇરલ એન્કેફેલાઇટિસને લઈને વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્ન સામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે. તેમણે રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટિસ અને ચાંદીપુરા વાયરસની હાલની પરિસ્થિતિને લઈને કેસ અંગેની આંકડાકીય માહિતી આપી હતી.
ઋષિકેશ પટેલે શું કહ્યું?
ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નમાં વાઇરલ એન્કેફેલાઇટિસ અને ચાંદીપુરા વાયરસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 'છેલ્લામાં છ દિવસમાં વાયરસથી સંક્રમિત એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે છેલ્લા 12 દિવસમાં એક પણ દર્દીનું મૃત્યુ નિપજ્યું નથી. રાજ્યમાં વાઇરલ એન્કેફેલાઇટિસ કે ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. ગુજરાતમાં વર્ષ 2024માં વાઇરલ એન્કેફેલાઇટિસના કુલ 164 કેસ નોંધાયા છે, જે પૈકી 61 કેસ ચાંદીપુરા પોઝિટિવ જણાયા છે.'
આ પણ વાંચો : રાજ્યમાં આગામી છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવે કયા જિલ્લામાં ખાબકશે
ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકારની કામગીરી
ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝિટિવ જણાયેલા અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારો મળીને 53999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યના 746927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી સહિત 157074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.
શાળા અને આંગણવાડીમાં ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી
અસરગ્રસ્ત વિસ્તારોની 31563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં બાળકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 36150 આંગણવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને 8696 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં શિક્ષકોની ગેરહાજરીનો મુદ્દો ગાજ્યો, 3 વર્ષમાં 134 શિક્ષકો બરતરફ
ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ
અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 164 વાઇરલ એન્કેફેલાઇટિસ સંક્રમિત દર્દીઓને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યાં છે. આમ, રાજ્યમાં અત્યાર સુધી કુલ 101 બાળકોના ચાંદીપુરા અને વાઇરલ એન્કેફેલાઇટિસથી મોત થયા છે. બીજી તરફ, ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલા 88 બાળકોને સારવાર કરીને ડિસ્ચાર્જ કરાયા છે.