બિનવારસી ટેમ્પોમાંથી ચાઇનીઝ દોરીના 1008 ફિરકા ઝડપાયા
આણંદમાં સલાટિયા ફાટક પાસે
રૃ. 4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી
આણંદ-ખેડા - આણંદ શહેરના સલાટિયા ફાટક પાસે આફિયત પાર્ક માંથી ઊભા રહેલા બિનવારસી ટેમ્પોમાંથી ચાઇનીઝ દોરીના ૧.૦૦૮ ફિરકા ઝડપાયા હતા. આણંદ શહેર પોલીસે રૃ. ૪.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના સલાટિયા ફાટક પાસે આફિયત પાર્ક ખાતે મીણિયાની કોથળીઓ ભરેલો બિનવારસી છોટા હાથી ટેમ્પો પડયો હોવાની બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સોમવારે રાત્રે પોલીસે દરોડો કરતા ટેમ્પો મળી આવ્યો હતો. તેમાં તપાસ કરતા મીણિયાની કોથળીઓમાં ભરેલા બોક્સમાંથી ચાઇનીઝ દોરીના ૧,૦૦૮ ફિરકા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૃ. ૪,૫૨, ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હોવાનો ઘાટ સર્જાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.