મેનેજમેન્ટ ફેકલ્ટીના કેમ્પસ ઈન્ટરવ્યૂમાં 100 ટકા પ્લેસમેન્ટ, 6 વિદ્યાર્થીઓને 16 લાખનું પગાર પેકેજ
એમ.એસ.યુનિવર્સિટીની જે ફેકલ્ટીઓમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે મોટા પાયે કંપનીઓ આવતી હોય છે તેમાં મેનેજમેન્ટ ફેકલ્ટીનો પણ સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ફેકલ્ટીમાં 2023-2024ના વર્ષના 100 ટકા વિદ્યાર્થીઓનુ કેમ્પસ પ્લેસમેન્ટ થયુ છે.વિદ્યાર્થીઓને સરેરાશ 7.3 લાખ રુપિયાનુ પગાર પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે.
ફેકલ્ટી ડીન ડો.સુનિતા શર્માએ કહ્યુ હતુ કે ફાર્મા, બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ, આઈટી, પેટ્રોલિયમ એમ વિવિધ ક્ષેત્રની 38 જેટલી કંપનીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ફેકલ્ટીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ લીધા હતા. 2023-2024ની બેચમાં કુલ 92 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ પૈકી 3 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટની ઓફર નકારીને પોતાનો વ્યવસાય શરુ કરવાનુ પસંદ કર્યુ હતુ. બીજા બે વિદ્યાર્થીઓએ વધુ અભ્યાસ કરવાના છે અને 6 વિદ્યાર્થીઓએ પોતાના પારિવારિક વ્યવસાયમાં જોડાવાનુ નક્કી કર્યુ હતુ. આ સિવાયના તમામ વિદ્યાર્થીઓની કેમ્પસ પ્લેસમેન્ટમાં પસંદગી થઈ છે.
તેમના કહેવા પ્રમાણે 75 ટકા વિદ્યાર્થીઓની પસંદગી ફેકલ્ટીના જ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા થઈ છે. જેઓ ઈન્ટરવ્યૂ માટે આવેલી કંપનીઓમાં ઉંચા હોદ્દા પર તૈનાત છે. આમ આઈઆઈએમની જેમ મેનેજમેન્ટ ફેકલ્ટીમાં પણ પૂર્વ વિદ્યાર્થીઓનો ફાયદો વર્તમાન વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.વિદ્યાર્થીઓને સરેરાશ 7.3 લાખ રુપિયાનુ પગાર પેકેજ ઓફર કરાયુ છે. 6 વિદ્યાર્થીઓને સૌથી વધુ 16 લાખ રુપિયાનુ પગાર પેકેજ મળ્યુ છે.
ફેકલ્ટી ડીન ડો.સુનિતા શર્માનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં ફેકલ્ટી દ્વારા વિવિધ કંપનીઓના પ્રોફેશનલ્સ અને એક્ઝિક્યુટિવ્સ માટે મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ શરુ કરવામાં આવશે.એક વર્ષમાં આવા 30 પ્રોગ્રામનુ આયોજન કરવાનુ લક્ષ્ય છે. તેના કારણે કોર્પોરેટ સેકટર અને ફેકલ્ટી વચ્ચેનુ જોડાણ વધારે મજબૂત થશે અને તેનો ફાયદો પણ વિદ્યાર્થીઓેને મળશે.
વિદ્યાર્થીઓને નેતૃત્વના ગુણો શીખવાડવા માટે એક સપ્તાહના વર્કશોપનુ આયોજન
ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓ માટે એક સપ્તાહના ફ્યુચર લીડર વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વર્કશોપ 8 થી 14 જુલાઈ સુધી ચાલશે. જેમાં 32 સેશનમાં 32 રિસોર્સ પર્સન વિદ્યાર્થીઓને તાલીમ આપશે.રોજના ચાર સેશન રહેશે. પહેલા સેશનમાં વિદ્યાર્થીઓને યોગા, સેલ્ફ ડિફેન્સ, માઈન્ડ ગેમ અને આર્ટ ઓફ લિવિંગ જેવા વિષયો પર પણ તાલીમ આપવામાં આવશે. સાથે સાથે મેનેજમેન્ટમાં ઈન્ડિયન નોલેજ સિસ્ટમનુ મહત્વ વિષય પર પણ રોજ એક સેશન યોજાશે. ત્રીજા સેશનમાં વિદ્યાર્થીઓના કેરિયર પર ફોકસ કરાશે અને ચોથા સેશનમાં તેમને ઈન્ટરવ્યૂ અને કોમ્યુનિકેશન સ્કિલ વિકસાવવા માટે તાલીમ આપવામાં આવશે. પાંચમા સેશનમાં પર્સનલ બ્રાન્ડિંગ, રિટન એન્ડ ઓરલ કોમ્યુનિકેશન, બોડી લેન્ગવેજ , લાઈફ સ્કિલ જેવા મુદ્દાઓને આવરી લેવાશે. દિવસના છેલ્લા સેશનમાં વિદ્યાર્થીઓને ડેટા એનાલિસિસ, પ્રેઝન્ટેશન સ્કિલ, રિપોર્ટ રાઈટિંગ શીખવાડાશે. જાણીતી કંપનીઓના અધિકારીઓ આ વર્કશોપમાં રિસોર્સ પર્સન તરીકે આવશે.