કેશોદના તપાસનીશ ASIની હત્યા અંગે પ્રૌઢને 10 વર્ષની સખત કેદ
2015માં નોંજણવાવમાં બનેલી ઘટના અંગે ચુકાદો : સજા ઉપરાંત એક લાખ રૂપિયાનો દંડ, દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખ્ત કેદ ભોગવવા કેશોદ સેશન્સ કોર્ટનો હુકમ
જૂનાગઢ, : વર્ષ 2015માં કેશોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નોંજણવાવ ગામમાં તપાસમાં ગયા હતા ત્યારે છરીના ઘા ઝીકી દેવાતા તેનું મોત થયું હતું. આ કેસ ચાલી જતાં કેશોદ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ મિલનકુમાર દવેએ એક આરોપી પ્રૌઢને દસ વર્ષની કેદ અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.
આ કેસની વધુ વિગત મુજબ કેશોદ પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા જીવાભાઇ બાબુભાઇ નિનામા અને સમીરભાઈ ભાઈલાલભાઈ રાઠોડ ગત તા.13-3-2015ના નોંજણવાવ ગામમાં હંસાબેન ચુડાસમાની અરજીના અનુસંધાને તપાસમાં ગયા હતા. આ દરમ્યાન નોંજણવાવના પાદરમાં પ્રવિણ કરશન પારેડી અને અશોક પ્રવિણ પારેડી બેઠા હતા. પ્રવિણ પારેડી પર અગાઉ દારૂ, જુગારના કેસ થયા હોવાથી એ.એસ.આઈ.જીવાભાઇને શંકા ગઈ હતી. તેઓએ બાજુમાં આવેલી સંપની ઓરડીમાં ચેક કરવા જતાં પ્રવિણ પારેડીએ કઈ ચેક કરવાનું નથી એમ કહી છરી કાઢી હતી. આ દરમ્યાન અશોક પારેડીએ ત્યાં આવી એ.એસ.આઈ.જીવાભાઇ નિનામાને પકડી લીધા હતા અને પ્રવિણ પારેડીએ છરી કાઢી જીવાભાઈને છાતી અને પેટના ભાગે બે ઘા મારી દીધા હતા. એ.એસ.આઈ.જીવાભાઇ નિનામાને ગંભીર ઇજા થતા તેઓને જૂનાગઢ બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ મામલે સમીરભાઈ રાઠોડે પ્રવિણ કરણા પારેડી અને અશોક પ્રવિણ પારેડી સામે ફરિયાદ કરતા કેશોદ પોલીસે હત્યા, ફરજમા રૂકાવટ, એટ્રોસિટી સહિતની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ આજે ચાલી જતા કેશોદ સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ મિલનકુમાર દવેએ 25 મૌખિક અને 80 દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષના વકીલોની દલીલને ધ્યાને લઇ નોંજણવાવના પ્રવિણ કરણા પારેડી (ઉ.વ. 52)ને તકસીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. આ દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.