વહેલી સવારે વાઘોડિયા રોડ લકુલેશ ડૂપ્લેક્સમાંથી ૧૦ તોલા દાગીનાની ચોરી
મકાન માલિક મોર્નિંગ વોકમાં ગયા અને ચોર ત્રાટક્યા
વડોદરા,વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા પાસે લકુલેશ ડૂપ્લેક્સમાં વહેલી સવારે ત્રાટકેલા ચોર સોનાના અંદાજે ૧૦ તોલા વજનના દાગીના ચોરી ગયા હતા. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા રોડ બાપોદ જકાત નાકા રંગ વાટિકા પાસે લકુલેશ ડૂપ્લેક્સમાં રહેતા કેયૂરભાઇ ગોપાલભાઇ શાહ જી.એ.સી.એલ. કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત તા. ૨૦ મી એ સવારે પોણા છ વાગ્યે તેમના પત્ની સૂતા હતા જ્યારે તેમનો દીકરો નાહવા માટે ગયો હતો. કેયૂરભાઇ ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો બહારથી બંધ કરીને ચાલવા ગયા હતા. તેઓ ઝવેરનગર સુધી પહોંચ્યા ત્યારે તેમના પત્નીએ ચોરી થયાની જાણ કરતા તેઓ તરત ઘરે પરત ગયા હતા. ઘરે જઇને જોયું તો બેડરૃમના લાકડાના કબાટમાંથી સોનાના ૧૦ તોલા વજનના દાગીના તથા રોકડા ૧૨ હજાર મળીને કુલ રૃપિયા ૧.૯૭ લાખની મતાની ચોરી થઇ હતી. ઉલ્લેખનીય છે કે, સોનાનો હાલનો ૧ તોલાનો ભાવ ૮૦ હજાર છે. જ્યારે પોલીસે દાગીના ખરીદ કર્યા ત્યારનો ભાવ ૨૩ હજાર ગણ્યો છે.