Get The App

સાયલાના સુદામડામાં ખનીજ ચોરી મુદ્દે ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
સાયલાના સુદામડામાં ખનીજ ચોરી મુદ્દે ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ 1 - image


ઘરના દરવાજા, બારી, કાર પર ગોળીઓ વાગતા નુકસાન : 5 શખ્સો વિરૂદ્ધ નામજોગ અને 15 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ : બોલેરો સહિત 3 કારમાં આવેલા શખ્સોએ ઘર ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી

સાયલા, : સાયલાના સુદામડા ગામે ખનીજ ચોરી બાબતે તપાસ કરવા અને તપાસમાં સંડોવાયેલાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. જો તેમ નહીં કરાય તો ઉપવાસ ઉપર બેસવાની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી. બાદમાં તા. 14મીએ ફરિયાદીના દીકરીએ પોતાના ઉપર હુમલો થઈ શકે તેમ હોવાથી પોલીસ રક્ષણની માંગણી કરતી અરજી કરી હતી. તે જ રાતે તેમના ઘર ઉપર ત્રણથી ચાર કારમાં આવેલા શખ્સોએ 10 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘરના દરવાજા, બારી, કાર પર ફાયરિંગ થતા નુકસાન થયું હતું. આ અંગે 5 શખ્સો વિરૂદ્ધ નામજોગ અને 15 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.

સાયલા તાલુકાના સુદામડા ગામે ફરિયાદી સોતાજભાઈ યાદવની દીકરી કુમકુમબેન દ્વારા સુદામડા પંથકમાં ચાલતા ગેરકાયદે પથ્થરની ખાણોની તપાસ કરવા તેમજ ખાણમાંથી પથ્થર લઈ કવોરી પરનો સ્ટોક માપવા માટે કલેકટર સહિત ઉચ્ચ કક્ષા સુધી લેખિતમાં રજૂઆત તા. 13મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. જેમાં સુદામડા ગામે કંબોયારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખોદકામ થતું હોવાથી તે તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને આ બાબતે જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તા. 25મી સપ્ટેમ્બરના રોજ કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલનની ચિમકી આપી હતી. વધુમાં અરજીમાં ગત 1લી એપ્રિલના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટો વહીવટ કરી ભીનું સંકેલી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કુમકુમબેન સુરેન્દ્રનગર કોલેજ કરે છે અને તેમના પણ હુમલો થઈ શકે છે માટે સલામતી માટે પોલીસ રક્ષણની પણ માંગ કરવામાં આવી હતી. 

આ અરજી કર્યા બાદ તા. 14મી સપ્ટેમ્બરના રોજ સાયલા પોલીસ મથકે ફરીથી કુમકુમબેને નવી અરજી સાયલા પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. જેમાં અરજી પાછી ખેંચવા માટે ધમકીઓ મળી રહી હોય તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રિના આશરે 10 વાગ્યાના અરસામાં એક બોલેરો, બે સ્વીફ્ટ અને એક અલ્ટો  ગાડીમાં આવેલા શખ્સોએ સોતાજભાઈ યાદવના ઘર ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘરના દરવાજા, બારી, કાર સહિત જુદી જુદી જગ્યાઓ પર ફાયરિંગની ગોળીઓ વાગતા નુકસાન પહોંચાડયું હતું. ફાયરિંગ કરવા આવેલા શખ્સોએ ફરિયાદીના પરિવારને જાતિ પ્રત્યે અપમાનીત શબ્દો પણ કહયા હતા. જે બાબતે સોતાજ યાદવ દ્વારા આરોપી કેહુ ગભુભાઈ ભરવાડ (રહે. જસાપર), જયપાલ ડોડીયા (રહે.સાયલા), સામત ધુધાભાઈ ભરવાડ (રહે. જસાપર), સુરેશ કરસનભાઈ રબારી (રહે. સુદામડા), દેવેન્દ્ર ઉર્ફે ડેંડુ બોરીચા (રહે. સુદામડા) તેમજ ડી. ગેંગના આશરે 10થી 15 અજાણ્યા લોકો તથા તપાસમાં ખૂલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. 

ફાયરિંગના સમાચાર વાયુ વેગે ફેલાતા સુરેન્દ્રનગર એસપી, લીબડી ડિવાએસપી, એલસીબી, એસઓજી તેમજ ડિવિઝન પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં સોતાજ યાદવના ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે ગુનો દાખલ કરી શકમંદોની તપાસ પણ શરૂ કરી દીધી છે.


Google NewsGoogle News