સૌરાષ્ટ્ર યુનિ.ના ખેલકૂદ ઉત્સવનું સમાપન 3 દિવસમાં નવા 10 રેકોર્ડ સ્થપાયા
જુદી - જુદી 38 સ્પર્ધાઓમાં વિજેતાઓને મેડલ અર્પણ કરાયા : આંતર યુનિ. કક્ષાએ કાઠિયાવાડનું ગૌરવ વધારવા માટે કોલેજોમાં P.T શિક્ષકો અને યુનિવર્સિટીમાં કોચ જોઈએ : શ્રેષ્ઠ ખેલાડીઓને પુરતું પ્રોત્સાહન મળતું નથી
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર ત્રણ દિવસથી ચાલતા આંતર કોલેજ ખેલકૂદ ઉત્સવની આજે પુર્ણાહુતિ થઈ હતી. ભાઈઓ - બહેનોની જુદી - જુદી ઈવેન્ટમાં કુલ આઠ નવા રેકોર્ડ સ્થપાયા હતા. એથ્લેટીક્સની રમતોમાં ખેલાડીઓનું પરફોર્મન્સ અગાઉના વર્ષો કરતાં પ્રમાણમાં ખુબ જ સારું જોવા મળ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન દોડમાં ૪૦૦ મીટર ભાઈઓ - બહેનોની સ્પર્ધા ઉપરાંત ૧૦૦ મી., ૨૦૦ મી. દડ, ૪૦૦ મી. હર્ડલ્સ, લાંબીકૂદ અને ૧૦ હજાર મી. દોડ સહિત કુલ 8 નવા રેકોર્ડ સ્થપાયા હતા. જુદી-જુદી સ્પર્ધાનાં વિજેતા ખેલાડીઓને ગ્રાઉન્ડ ઉપર મેડલ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં પ્રેક્ટીસ કરીને જુદી-જુદી રમતોમાં ચેમ્પિયનશીપ મેળવનાર ખેલાડીઓ અને અધ્યાપકોએ જણાવ્યું હતું કે યુનિ. કેમ્પસ ઉપર એથ્લેટીક ગ્રાઉન્ડ વિશાળ છે. પરંતુ તેનું મેઈન્ટેનન્સ થતું નથી. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનાં મેદાનોને તરોતાજા રાખવા માટે જે પાણી મળવું જોઈએ તે પુરતું મળતું નથી. અત્યારે સ્પર્ધા માટે ગ્રાઉન્ડ ઉપર પાણી છાંટવા માટે ૧૫ ટેન્કર મગાવવા પડયા હતા. પાણી અપુરતું હોવાને લીધે સ્વિમિંગ પુલનું વેસ્ટેજ પાણી હોકીનાં ગ્રાઉન્ડમાં છાંટવામાં આવે છે. પાણી વિના તમામ મેદાનોની કાળજી રાખવી મુશ્કેલ છે. આ ગ્રાઉન્ડ ઉપર દરરોજ સવારે વોકિંગ ઝોનમાં ફેરવાઈ જાય છે. ખેલાડીઓને પ્રેક્ટીસ કરવા માટે પુરતી સ્પેસ મળતી નથી. મોટાભાગની કોલેજોમાં મેદાનોનો અભાવ હોવાથી ખેલાડીઓ રેસકોર્સમાં પ્રેક્ટીસ કરે છે અથવા તો યુનિ. કેમ્પસના મેદાન ઉપર આવે છે. બન્ને જગ્યાએ સવારના વોકિંગ માટે આવતા લોકોને લીધે ગ્રાઉન્ડ સાર્વજનિક બની રહ્યું હોય તેવું લાગે છે. ખેલાડીઓને મેદાનની જે સમતુલા મળવી જોઈએ તે મળતી નથી.
વધુમાં ખાનગી, સરકારી અને સ્વનિર્ભર કોલેજોમાં બહુ ઓછી કોલેજો એવી છે કે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે. સ્પોર્ટ્સ અધ્યાપકની ભરતી ફરજીયાત હોવા છતાં ખેલાડીઓને પ્રોત્સાહન સાથે સાચી દિશામાં આગળ વધવાની પ્રેરણા મળે તે માટે મદદ કરે તેવા વ્યાખ્યાતાનો અભાવ જોવા મળે છે. એ જ રીતે યુનિ. કેમ્પસમાં અગાઉ જે પ્રકારે ખેલાડીઓને તૈયાર કરવા માટે એક - એક મહિનાના કોચીંગ કેમ્પ યોજાતા હતા તેવા યોજવા જોઈએ. યુનિ.માં સ્પોર્ટ્સ હોસ્ટેલ ઉભી કરવામાં આવી છે. તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની લાગણી ખેલાડીઓએ પ્રદર્શિત કરી યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગમાં કાયમી કર્મચારીઓની ભરતી કરી સક્ષમ બનાવવાની ડિમાન્ડ કરી હતી. ગઈકાલે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ઈવેન્ટ દરમિયાન પવનની થપાટ સાથે જે મુખ્ય મંડપ તૂટી પડયો હતો તે રીપેર કર્યા બાદ આજે હાલકડોલક મંડપ નીચે પડયો હતો. અલબત્ત બપોર સુધીમાં જ તમામ સ્પર્ધાનું સમાપન થયું હતું.
કઈ કઈ સ્પર્ધામાં નવા રેકોર્ડ
ભાઈઓ : 200 મી. દોડ - દવે યશ અશ્વિનભાઈ, લાંબીકુદ - કડછા દિનેશ કારાભાઈ, 400 મી. દોડ - ઝાલા નિકુંજ જયેન્દ્રભાઈ, 800 મી. દોડ - મહેન્દ્ર અમરશીભાઈ ચૌહાણ, 100 મી. દોડ - દવે યશ અશ્વિનભાઈ, 400 મી. હર્ડલ્સ - ઝાલા નિકુંજ જયેન્દ્રભાઈ, 10,000 મી. દોડ - કશ્યપ સંઘાણી, જયેશ સરડવા. બહેનો : 100, 200, 400 મી. દોડ - ઝાલા દેવ્યાનીબા મહેન્દ્રસિંહ