વડોદરામાં આજથી ચેસ ટૂર્નામેન્ટ, ભારતના 10 ગ્રાન્ડ માસ્ટર ભાગ લેશે
વડોદરા,શનિવાર
વડોદરા શહેરમાં તા.૯ ફેબુ્રઆરીથી તા.૧૩ ફેબુ્રઆરી દરમિયાન ૩૪મી પેટ્રોલિયમ સ્પોર્ટસ પ્રમોશન બોર્ડ ઈન્ટર યુનિટ ચેસ અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ટાઉનશિપ ખાતે કરવામાં આવ્યું છે.ચેસ સ્પર્ધામાં ભારતના ૧૦ ગ્રાન્ડ માસ્ટર સહિત ૨૦ ચેસ ચેમ્પિયન ભાગ લેશે.
જેમાં ૨૦૨૪માં વર્લ્ડ વિમેન રેપિડ ચેસ ચેમ્પિયન બનનાર ગ્રાન્ડ માસ્ટર કોનેરુ હમ્પીનો પણ સમાવેશ થાય છે.આજે પત્રકારો સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ભારતમાં અન્ય રમતો અને તેના ખેલાડીઓને જેટલુ મહત્વ અને પ્રોત્સાહન મળે છે તેટલું ચેસના ખેલાડીઓને મળતું નથી.સરકારે પણ ચેસની રમતને વધારે લોકપ્રિય બનાવવા પ્રયાસો કરવા જોઈએ અને તેના ખેલાડીઓને વધારે પ્રોત્સાહિત કરવા જોઈએ.
તેમણે કહ્યું હતું કે, મારા પિતા ચેસ ચેમ્પિયન હતા અને તેમને જોઈને હું ચેસ રમતા શીખી હતી.તેઓ મારા મેન્ટર અને કોચ પણ છે.ક્રિકેટ, ફૂટબોલ હોય કે પછી ચેસ હોય... પ્રેક્ટિસ તો કરવી જ પડે છે.હું કોઈ પણ ટુર્નામેન્ટ પહેલા કલાકો સુધી પ્રેક્ટિસ કરતી હોઉં છું.
વડોદરામાં યોજનારી સ્પર્ધા ટીમ ઈવેન્ટ અને સ્વીસ લીગ સિસ્ટમ એમ બે ફોર્મેટમાં હશે.ટીમ ફોર્મેટમાં શરુઆતના મુકાબલા રાઉન્ડ રોબિન અને એ પછી નોક આઉટ સ્ટેજમાં હશે.
ચેસ સ્પર્ધાની સાથે ૨૮મી કબડ્ડી ચેમ્પિયનશિપ પણ તા.૯ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન યોજાશે.જેમાં પણ વિવિધ પેટ્રોલિયમ એકમોના ટોચના ખેલાડીઓ ભાગ લેશે.