લગ્નના ૧૦ દિવસ પહેલા જ યુવતીએ ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
આપઘાત પહેલા ભાવિ પતિ સાથે વીડિયો કોલ પર નોર્મલ વાત કરી હતી
વડોદરા,લગ્નના ૧૦ દિવસ પહેલા જ યુવતીએ ઘરે પંખા પર દોરડું બાંધીને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેણે ભાવિ પતિ સાથે વીડિયો કોલ પર વાત પણ કરી હતી. આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સયાજીપુરા ખોડિયાર નગર રોડ ડ્રીમ વિલા સોસાયટીમાં રહેતી દીક્ષા મુનેશકુમાર ( ઉં.વ.૨૫) ના પિતા અને ભાઇ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. દીક્ષાના લગ્ન મૂળ આણંદના અને હાલમાં રશિયા સ્થાયી થયેલા યુવક સાથે નક્કી થયા હતા. દશ દિવસ પછી લગ્ન હોઇ યુવક પણ રશિયાથી આવી ગયો હતો. પરિવારજનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો અને ખરીદી ચાલતી હતી. ગઇકાલે રાતે દીક્ષા ઉપરના માળે ગઇ હતી. ઉપરના માળે જઇને તેણે ભાવિ પતિને વીડિયો કોલ કર્યો હતો. યુવતીએ તેને જણાવ્યું હતું કે, તું ભૂરા કલરની ગાડી લઇને આવજે. આપણે લગ્ન પછી રશિયા રેહવું નથી. સિંગાપોર સ્થાયી થઇશું. યુવકે હા પાડી હતી.
ત્યારબાદ દીક્ષાએ પંખા પર દોરડું બાંધીને ગળા ફાંસો ખાઇ લીધો હતો. દોરડું તૂટી જતા અવાજ આવતા પરિવારજનોએ ઉપરના માળે જઇને જોયું તો દીક્ષા જમીન પર પડેલી હતી. તેના ગળામાં દોરડાનો ફાંસો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો. હોસ્પિટલ દ્વારા પી.એમ. માટેની વાત કરતા પરિવારજનોએ ના પાડી હતી. તેના કારણે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાતા પોલીસને જાણ કરવામાં આવતા બાપોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. સમજાવટ પછી પરિવાર પી.એમ. માટે તૈયાર થતા હે.કો. રામાભાઇએ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.