Get The App

ડબલ ઍન્જિન સરકાર ખાલી વાતોમાં મસ્ત : સાબરમતી નદી શુદ્ધિકરણના ૧૦ કરોડ ક્યાં ગયા

સાબરમતી નદીનો ૧૨૦ કિમીના પ્રદૂષિત વિસ્તારની સફાઈમાં 5 વર્ષનો સમય પણ ઓછો પડી શકે છે

માનવસર્જિત પ્રદૂષણના ભરડામાં આવેલી આ નદી ગંદા ખાબોચિયામાં પરિવર્તિત થઇ ચૂકી છે

Updated: Feb 7th, 2023


Google NewsGoogle News
ડબલ ઍન્જિન સરકાર ખાલી વાતોમાં મસ્ત : સાબરમતી નદી શુદ્ધિકરણના ૧૦ કરોડ ક્યાં ગયા 1 - image
Image  - Wikipedia

ગાંધીનગર, તા.06 ફેબ્રુઆરી-2023, સોમવાર

વિધાનસભામાં ૧૫૬ બેઠકો મળ્યા પછી સત્તામાં આવેલી ભાજપ સરકારમાં દોઢ મહિના પછી પણ રિઝલ્ટ ઓરિયેન્ટેડ કામગીરી થઇ શકતી નથી. સરકારની કામગીરી જોતાં એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિનની સરકારમાં અરજદારોને ભરોસો ઓછો થયો છે. સલામતી વ્યવસ્થાને વિંધીને આગળ વધવું મુશ્કેલ બન્યું છે. કેબિનેટ મંત્રીઓની સ્વર્ણિમ ચેમ્બરોમાં ફાઇલો અટવાયેલી જોવા મળે છે અથવા તો જિલ્લાની કચેરીઓ કે સચિવાલયના વિભાગોમાંથી ફાઇલો ક્વેરી સાથે નિકળી રહી છે. કેન્દ્રીય મોવડીમંડળનું સીધું માર્ગદર્શન હોવા છતાં સચિવાલયની કામગીરીમાં ફરક પડ્યો નથી. નિયમો અને સરકારી આદેશોના અલગ અલગ અર્થઘટનના કારણે લોકોના કામો અટકી રહ્યાં છે. મુખ્યમંત્રીએ ખુરશી સંભાળી ત્યારે એવી જાહેરાત કરી હતી કે મંત્રીઓ અને અધિકારીઓએ કામના દિવસોમાં ચેમ્બરમાં ફરજીયાત હાજર રહેવું પડશે પરંતુ સરકારમાં જી-૨૦ સમિટ, વિધાનસભાના સત્રની તૈયારી અને ઉત્સવપ્રિય યોજનાઓના કારણે મંત્રીઓ તેમજ અધિકારીઓની ગેરહાજરી વધારે જોવા મળે છે. મોટાભાગે મંત્રી અને અધિકારી મિટીંગમાં વ્યસ્ત હોય છે.

નદી શુદ્ધિકરણના ૧૦ કરોડ ક્યાં ગયા...

ગુજરાતમાંથી વહેતી સાબરમતી નદીનો ૧૨૦ કિલોમીટરનો વિસ્તાર પ્રદૂષિત થયેલો છે જેની સફાઇ કરવામાં સરકારને પાંચ વર્ષનો સમય પણ ઓછો પડી શકે છે તેવું એક જળ તજજ્ઞએ જણાવ્યું છે. માનવસર્જિત પ્રદૂષણના ભરડામાં આવેલી આ નદી ગંદા ખાબોચિયામાં પરિવર્તિત થઇ ચૂકી છે. ચોંકાવનારી વિગતો એવી છે કે બે વર્ષ પહેલાં સરકારે નદીના ૧૦ કિલોમીટરના પેચને સ્વચ્છ કર્યો હતો પરંતુ આજે તે ફરીથી પોલ્યુટેડ બની ગયો છે. સરકારે ખર્ચેલા ૧૦ કરોડ રૂપિયા વ્યર્થ ગયા છે. ખાનગી એજન્સીઓ અને તેની સાથે સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ મલાઇ ખાઇ ગયા છે. અદાલતની વારંવારની ફિટકાર ઉપરાંત સીપીસીબીના રિપોર્ટમાં સાબરમતી ભારતની બીજા નંબરની પોલ્યુટેડ નદી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી પણ સ્થાનિક સંસ્થાઓ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ નદીને પ્રદૂષણની બચાવવાની ફરજ અદા કરવામાં નિષ્ફળ ગયા છે. નદીમાં ઝેરી કેમિકલ્સ ફેંકતા ઔદ્યોગિક એકમો પાસેથી રૂપિયા ઉઘરાવવાનું કામ આ બોર્ડ કરી રહ્યું છે.


Google NewsGoogle News