13 મિલકતધારોકોના દબાણ દૂર કરાયા તો હવે વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે તેની ખાત્રી મળશે ? કોંગ્રેસ કોર્પોરેટરની પાલિકામાં રજૂઆત
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અમીબેન રાવતે રજૂઆત કરી છે કે, આ વખતનું પૂરું શહેરીજનો માટે અભૂતપૂર્વ હતું. નદીના કોતરો પુરાઈ ગયા એ બાબતથી તમામ સભાસદો માહિતગાર છે. હવે કંઈક એવું કરવું પડે કે, બીજીવાર પૂરું ન આવે અને પરિસ્થિતિ સુધરે. પુર પછી ત્રણ મહિનામાં આપણે શું સુધાર્યું? અને શું કર્યું ? એની પર વિચાર વિમર્શ થવો જોઈએ. નવલાવાલા વર્ષોથી વિશ્વામિત્રી વિશે માહિતગાર છે અને વિશ્વામિત્રી અંગે અનેક સર્વે થયા પરંતુ નદીની હદ કઈ ગણી ગણવી ? તે હજુ નક્કી થઈ શકતી નથી ! આપણે વિશ્વામિત્રી માટે અલગ અલગ સર્વે કરાવ્યા જેમાં કુલ ત્રણ સર્વેમાં અંદાજે રૂ.10 કરોડ જેટલો ખર્ચો વિવિધ એજન્સીઓ અને તેના સ્ટાફને નાણાં ચૂકવવામાં કર્યો પરંતુ આજદિન સુધીએ સર્વેનો રિપોર્ટ સભામાં રજૂ થયો નથી. માત્ર કોંગ્રેસ જ નહીં ભાજપના કોર્પોરેટરોના ઘરમાં પણ પાણી હતું અને તેમના વિસ્તારમાં પૂરગ્રસ્ત થયા હતા. તેથી તેઓને (ભાજપના કોર્પોરેટરો)ને પણ એ જાણવાનો હક છે કે, થયેલ સર્વેમાં હકીકત શું છે? અને પૂર કયા કારણોસર આવી રહ્યું છે? તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે, પૂર બાદ તંત્રએ 13 મિલકત ધારકોને વિશ્વામિત્રી નદીમાં દબાણ મામલે નોટિસ આપી અને તે દબાણ દૂર કર્યા પરંતુ શું આ 13 દબાણ દૂર કર્યા બાદ હવે પૂર નહીં આવે એવી એજન્સી કે અધિકારીઓ ખાતરી આપશે? વિશ્વામિત્રીના નદીના જે નકશા તૈયાર કરવામાં આવ્યા છે એ સભાના ફ્લોર પર મુકવાની સાથો સાથ કોર્પોરેશનની વેબસાઈટ પર પણ રજૂ થવા થવા જોઈએ જેથી જ્યાં દબાણ નડતા હોય તે દૂર કરી શકાય.
સર્વે બાદ તેનો અમલ કેવી રીતે કરવો ? તે સૂચન બાદ નક્કી કરાશે - ડો.શીતલ મિસ્ત્રી
પાલિકાની સભામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ વિશ્વામિત્રી નદીના થયેલ સર્વે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સર્વેનો સ્ટડી થઈ રહ્યો છે અને એ સર્વેના સૂચનનો કેવી રીતે અમલ કરવામાં આવે? તેની ચર્ચા ચાલી રહી છે. વિશ્વામિત્રી નદી વિસ્તારમાં જે દબાણ છે તે કાયદેસર રીતે તોડી શકાય એમ પણ છે અને તે દૂર કરવામાં પણ આવશે. આ તબક્કે અમીબેન રાવતે જણાવ્યું હતું કે, કોઈને ગમે અને ન ગમે તે પ્રમાણે દબાણો તૂટવા જોઈએ નહીં પરંતુ જો દબાણના કારણે નદીમાં પૂરની સમસ્યા થતી હોય તો તે દબાણ દૂર કરવામાં આવવા જોઈએ. બાંધકામ પરવાનગી ખોટી રીતે લેવાઈ હોય તો વિશ્વામિત્રીના નદીના પટમાંથી તે બાંધકામ પણ જનહિતમાં દૂર થવા જોઈએ.