રાજકોટમાંથી ઝડપાયા 10 બાંગ્લાદેશી, ગુજરાતમાં અત્યાર સુધી 1000થી વધુ શંકાસ્પદની અટકાયત
Banagladeshi Caught In Rajkot : ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા અમદાવાદ અને સુરત શહેરમાં દરોડા પાડીને લગભગ એક હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હોવાનો દાવો કરાયો છે. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે રાજકોટમાંથી 10 બાંગ્લાદેશી ઝડપાયા હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.
રાજકોટમાંથી ઝડપાયા 10 બાંગ્લાદેશી
રાજ્યના ગૃહ વિભાગ અને ડીજી ઑફિસની સૂચનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ SOG અને શહેર પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ગુજરાતમાં ગેરકાયદે રહેતા 10 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે.
DCPએ શું કહ્યું?
સમગ્ર મામલે રાજકોટના DCP ક્રાઇમ પાર્થરાજ સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને દેશનિકાલ કરવાની માહિતી મળી છે, ત્યારે પોલીસની ટીમ દ્વારા ગઈકાલ શુક્રવાર (25 એપ્રિલ, 2025) રાતથી તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 800થી વધુ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 10 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. આ લોકો પશ્ચિમ બંગાળની બોર્ડર પરથી ભારતમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.'
આ પણ વાંચો: VIDEO: અમદાવાદ-સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી, 1000થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત
અમદાવાદ-સુરતમાં 1000થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત
પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ ઍલર્ટ થઈ ગઈ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ અને સુરતમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે. જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.