રાજકોટમાં ઘુસી આવેલા 10 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 1000થી વધુ શકમંદ ઈસમોની તપાસમાં : આતંકવાદી હુમલા અન્વયે પોલીસનું સઘન ચેકીંગ, શકમંદોના ઓળખકાર્ડ સહિત દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી
રાજકોટ, : કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના કરેલા આદેશ અન્વયે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને આશરે 1024 ઈસમોની સઘન પુછપરછ હાથ ધરી હતી તેમજ તેમના આધારકાર્ડ,ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં 10 બાંગ્લાદેશી શખ્સો ઘુસણખોરી કરીને રાજકોટમાં રહેતા હોવાનો ઘટસ્ફોટ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટના નાયબ પોલીસ કમિશનર પાર્થરાજસિંહ ગોહીલનો આ અંગે સંપર્ક સાધતા જણાવ્યું કે વિવિધ સ્થળોએ પોલીસની ટીમો દ્વારા સઘન ચેકીંગ ઝૂંબેશ હાથ ધરાઈ હતી અને એક હજારથી વધુ લોકોની તપાસ શરૂ કરાઈ હતી જેમાં ભક્તિનગર,બી.ડિવિઝન, માલવિયાનગર,તાલુકા વગેરે વિસ્તારમાં 10 બાંગ્લાદેશી નાગરિકો કોઈ પણ પ્રકારના વિઝા કે પાસપોર્ટ વગર વસવાટ કરી રહ્યાનું બહાર આવતા તેમને ડિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત હજુ આવા ઈસમોની તપાસ જારી રખાઈ છે. આ પહેલા પણ નહેરૂનગર, સોનીબજાર, રંગપરના પાટીયા પાસે એ.ટી.એસ. દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સો પકડાયા હતા.પોલીસે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકો અંગે સઘન તપાસ હાથ ધરી છે.
આજે પકડાયેલા બાંગ્લાદેશી શખ્સોમાં 6 મહિલાઓ સમાવિષ્ટ છે અને તે મજુરીકામ કરતા હતા અને બોર્ડર ક્રોસ કરીને બારોબાર ઘુસી આવ્યાનું ખુલ્યું છે. જ્યારે અન્ય શખ્સો બંગાળથી આવેલા છે. શહેરમાં કોઈ એક પાકિસ્તાની નાગરિક વીઝા પર હોવાનું પરંતુ, તે તા. 27ના યુ.કે.જઈ રહ્યાની વિગતો પણ પોલીસસૂત્રોમાંથી જાણવા મળી છે. રાજકોટના જંગલેશ્વર, ભગવતીપરા, સોનીબજાર, રામનાથપરા, જંક્શન પ્લોટ સહિત અનેક સ્થળોએ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી., પી.સી.બી. સહિત પોલીસની ટીમોએ ત્રાટકીને નાગરિકો પાસેના દસ્તાવેજી પુરાવાની ઝીણવટભરી ચકાસણી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં પોલીસ દ્વારા આવુ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.