વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇનનું શિફ્ટિંગ કરતા પુરવઠો બંધ કર્યો : 10,000 ગ્રાહકોને અસર
Vadodara Gas Line Work : વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં ડ્રેનેજ નાખવાની કામગીરી દરમિયાન નડતરરૂપ ગેસ લાઇન હોવાથી તેનું શિફ્ટિંગ કરવામાં આવતા ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે આજે વડોદરા શહેરના દાંડિયા બજાર માર્કેટ જયરત્ન બિલ્ડીંગ તેમજ આજુબાજુના વિસ્તારના 10,000 ગેસના ગ્રાહકોને સતત બે કલાક સુધી ગેસનો પુરવઠો મળી શક્યો ન હતો.
વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ જૂની જર્જરિત થઈ ગયેલી ગેસ લાઈનો બદલવાની કારણે અવારનવાર લીકેજ થતા રહે છે. તેના સમારકામ માટે તાત્કાલિક ગેસ કંપની ગેસ પુરવઠો બંધ કરી કામગીરી કરતી હોય છે. તેના સ્થાને આ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આજે ગેસ કંપની દ્વારા જેતલપુર વિસ્તારની ગેસ લાઇન શિફ્ટિંગ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક અસરથી ગેસનો પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇન શિફ્ટિંગ કરવાની કામગીરી સતત એક કલાક સુધી ચાલતી હતી જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ પુરવઠો બપોરના સમયે બંધ કરવામાં આવતા અનેક લોકોના ઘરમાં તેમજ વિવિધ વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં ગેસનો પુરવઠો નહીં પહોંચતા બપોરનું જમવાનું બનાવવામાં તકલીફ પડી હતી તો કેટલીક રેસ્ટોરન્ટના સંચાલકોએ હોટલ બંધ કરી દેવાનો વારો આવ્યો હતો.
વડોદરા ગેસ કંપની દ્વારા ગેસની પાઇપલાઇન શિફ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવતા જેતલપુરથી લઈને શહેરના દાંડિયા બજાર માર્કેટ, અલકાપુરી વિસ્તારના 10,000 જેટલા ગેસના ગ્રાહકોને ગેસ પુરવઠો બંધ થઈ જતા મુશ્કેલી પડી હતી.