કોડીનાર,તાલાલા,સૂત્રાપાડામાં ધોધમાર 1થી 3 ઈંચઃ દશેરા ટાણે યલો એલર્ટ જારી
આસોમાં અષાઢી માહૌલઃ ચોમાસાની વિદાય પછી ધોધમાર માવઠાં : આજે હવનાષ્ટમીએ અમરેલી, સોમનાથ, ભાવનગર, સોમનાથ, દિવ, સુરત, તાપી, નવસારી, વલસાડ જિ.માં ભારે વરસાદની અને અન્યત્ર તોફાની વરસાદની ચેતવણી, : સોમનાથ જિલ્લામાં જળબંબાકાર,ગરબીઓ બંધ કરાઈ, ખેલૈયા નિરાશઃ અરબી સમુદ્રમાં લો પ્રેસરની અસર, હજુ તે ચક્રવાતમાં ફેરવાવા શક્યતા
રાજકોટ, : તા. 5 ઓક્ટોબરે વલસાડ,વાપી સિવાયના સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થયાનું જાહેર કર્યાના ચાર દિવસમાં રાજ્યમાં વરસાદી માહૌલ બંધાયો છે અને આજે નવરાત્રિના સાતમા નોરતે ગીર સોમનાથ,અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી સહિત જિલ્લાઓમાં મુશળધાર માવઠાં વરસ્યા હતા. જેમાં આજે સાંજ સુધીમાં જ સોમનાથ જિ.ના કોડીનારમાં ધધમાર અઢીથી ત્રણ ઈંચ તથા તાલાલા, સૂત્રાપાડા,ઉનામાં પણ પોણાથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં નવરાત્રિ ઉત્સવ અંતિમ ચરણમાં પહોંચ્યો છે,લોકોની ભીડ ઉમટી રહી છે ત્યારે મૌસમ વિભાગે આગામી રવિવાર તા. 13 સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. વિજ્યાદશમીના દિવસ કે જ્યારે ઠેરઠેર રાવણ દહન થતા હોય છે તે દિવસે પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. સતત બદલાતી મૌસમ વચ્ચે ગત બે દિવસ રાજ્યમાં દેશમાં સૌથી વધારે તાપ વરસ્યો, ભૂજમાં ગઈકાલે 40.1 સે.તાપમાન એ સમગ્ર દેશમાં સૌથી ઉંચુ તાપમાન નોધાયું ત્યારે હવે ઉનાળાના અહેસાસ બાદ ફરી ચોમાસુ માહૌલ છવાયો છે. ગઈકાલે જ ડાંગમાં ધોધમાર 4 ઈંચ, સુરતમાં 3 ઈંચ, દ્વારકા જિલ્લાના ભાણવડ, તેમજ ખેરગામ,નેત્રંગ, દેડીયાપાડા, વાપી વગેરે વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી રાત્રિ સુધી વરસાદનું જોર જારી રહ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર,સૂત્રાપાડા, વેરાવળ, ઉના, ગિરગઢડા તમામ તાલુકામાં અર્ધાથી અઢી ઈંચ સુધી ધોધમાર વરસાદથી અનેક ગરબીઓ બંધ કરવાની ફરજ પડી હતી અને ખૈલૈયા નિરાશ થયા હતા. કોડીનારમાં એક કલાકમાં જ મુશળધાર બે ઈંચ વરસાદ સાથે દાંડિયારાસના આયોજનો વેરવિખેર થયા હતા, શહેરના મુખ્યમાર્ગો,સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને ખેતરો પણ પાણીથી તરબતર થયા હતા. તાલાલાથી અહેવાલ મૂજબ આંકોલવાડી,ઘુંસિયા સહિત ગીર જંગલ વિસ્તારમાં એકથી અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જાફરાબાદમાં ભારે પવન સાથે વરસાદથી બજારોમાં નદી વહેતી હોય તેમ પાણી વહેતા થયા હતા. ઉભરાતી ગટરના ગંદા પાણી વરસાદી પાણી સાથે બજારમાં ફરી વળ્યા હતા. બે ત્રણ દિવસના ઉકળાટ બાદ વરસાદથી જાણે આસોમાં અષાઢી માહૌલ છવાયો હતો. કોડીનાર તાલુકાના ડોળાસામાં આજે અર્ધો ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં પણ ગત રાત્રિથી વ્યાપક વરસાદના વાવડ મળ્યા છે. સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, લિલીયામાં અર્ધાથી એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં પણ ધોધમાર ઝાપટું વરસ્યું હતું. વડિયા, બગસરાના ગ્રામ્ય પંથકમાં વ્યાપક વરસાદના અહેવાલ છે. રાજુલામાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદથી પાણી ભરાયા હતા. ધારી,ચલાલા સહિત ગામોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ચિંતા જન્મી હતી. જ્યારે જુનાગઢના મેંદરડા અને વિસાવદરમાં પણ ધોધમાર ઝાપટાં વરસ્યા હતા. ભાવનગરના મહુવા, ઘોઘા,તળાજા, પાલીતાણા તેમજ સુરત, વલસાડ, નવસારી વગેરે જિલ્લામાં વ્યાપક વરસાદના અહેવાલો છે.
આવતીકાલ તા. 11ને આઠમા નોરતે કે જે હવનાષ્ટમી તરીકે ઉજવાય છે તે દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા અને દિવ પ્રદેશમાં ભારે વરસાદની તેમજ રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પોરબંદર, જુનાગઢ, બોટાદ વગેરે જિલ્લામાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદની ચેતવણી જારી કરાઈ છે. આ ચેતવણી દશેરાના દિવસ માટે તા.૧૨ અને રવિવાર તા.૧૩ માટે પણ જારી થઈ છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના રાસગરબા અંતિમ તબક્કામાં છે અને ખેલૈયાઓનો ઉત્સાહ પરાકાષ્ટાએ પહોંચ્યો છે ત્યારે તેના આ ઉત્સાહ પર ઠંડુ પાણી રેડાય તેવી શક્યતા છે. દરમિયાન અરબી સમુદ્રમાં આજે વેલમાર્ક્ડ લો પ્રેસર બે-ત્રણ દિવસમાં ડીપ્રેસન કે ચક્રાવાતી સીસ્ટમમાં ફેરવાવાની શક્યતા છે, જો કે આ સીસ્ટમ સૌરાષ્ટ્ર-મહારાષ્ટ્ર અને ઓમાન વચ્ચેના અરબી સમુદ્રમાં મધ્યે સર્જાવાની શક્યતા છે જેની ગુજરાતને આંશિક અસર થશે.