શ્રીનાથગઢ પાસે કારચાલકે રિક્ષાને ઠોકર મારતાં 1નું મોત, 3 ઘાયલ
મોવિયા - વાસાવડ રોડ પરની દુર્ઘટના : અકસ્માત બાદ કારચાલકે કારને રસ્તા પર રાખી સારવારમાં દાખલ થયો, ચાલકને રાજકોટ રિફર કરાયો
ગોંડલ, : ગોંડલના મોવીયાથી શ્રીનાથગઢ જવાના રસ્તે પેસેન્જર સાથે પસાર થઈ રહેલી રીક્ષા ને સેન્ટ્રો કાર ના ચાલકે હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા આદિવાસી પ્રૌઢનું મોત નિપજયુ હતું. જ્યારે સેન્ટ્રો કાર ચાલક સહિત બે વ્યક્તિને ઈજા પહોંચી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોવિયાથી શ્રીનાથગઢ રસ્તા ઉપર પાણીના ટાંકા પાસે શ્રીનાથગઢ જઈ રહેલી પેસેન્જર રીક્ષાને સામેથી પૂરપાટવેગે આવી રહેલા સેન્ટ્રો કારના ચાલકે ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા મૂળ મધ્યપ્રદેશના બોરકુંડિયા ગામે રહેતા અને હાલ મોવિયા વાડીમાં ખેત મજૂરી કરતા ખુમસિંહ વિજયાભાઈ ગોહિલ (ઉં.વ. 50)ને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં બેઠેલા તેમના દીકરા પીન્ટુ (ઉં.વ.13) તથા તેની દોહીત્ર કાજલ (ઉં.વ. 15)ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.
સેન્ટ્રો કારચાલક અકસ્માત બાદ કાર ઘટના સ્થળે છોડી તેને પણ ઇજા થઈ હોવાથી ગોંડલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ હતો. બનાવ બાદ મૃતક તથા ઇજાગ્રોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક ખુમસિંઘને સંતાનમાં એક દીકરો એક દીકરી હોવાનું અને મોવિયામાં ધીરુભાઈ છગનભાઈ ખુટની વાડીમાં છેલ્લા બે વર્ષથી ખેત મજૂરી કરતો હોવાનું જાણવા મળેલ હતું. રિક્ષાચાલક ગોંડલના કાદરભાઇને પણ ઈજા થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા બનાવ અંગે સુલતાનપુર પોલીસ મથકના એ.એસ.આઇ હિતેશભાઈ ગરેજાએ તપાસ હાથ ધરી છે