વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માતા-પિતા ઘરમાં ઊંઘતા રહ્યાને 1.95 લાખ માલમત્તાની ચોરી
Vadodara Theft Case : વડોદરા શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન ચાર રસ્તા પાસે સોસાયટીમાં વૃદ્ધ માતા પિતા ઉપરના માળે ઊંઘતા હતા ત્યારે તસ્કરો બારીની ગિલનો કાચ તોડી ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1.95 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વેપારીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના સુભાનપુરા હાઇ ટેન્શન ચાર રસ્તા પાસે આવેલી સુધન લક્ષ્મી જૈન સોસાયટીમાં રહેતા ડીમ્પલભાઈ તસમુખભાઈ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું સુભાનપુરા ગામમા વિણા મોટર્સ નામની દુકાનમા બેટરીનો ધંધો કરી ગુજરાન ચલાવું છુ. ગઈ 10 ઓક્ટોબરના રોજ રાત્રીના સમય દરમ્યાન મારી પત્ની દીપ્તીબેન તથા મારી દીકરી દીયા ગરબા રમવા માટે ગયા હતા અને અને મારા માતા-પિતા અમારા ઘરમાં પહેલા માળે બેડ રૂમમા સુતા હતા. રાત્રીના કલાક 11:15 વાગે હુ તથા મારો દીકરો જય અમારા ઘરના મુખ્ય દરવાજાને તાળુ વાસી અને અમારા પાડોશી અજયભાઈના પરે અમો બેસેલા હતા અને તે પછી 12:30 વાગે અમારા ઘરનું તાળુ ખોલી હું તથા મારો દીકરો અમારા ઘરમા ગયા હતા. ત્યારે રસોડાની લાઈટ ચાલું હતી અને રસોડાનો દરવાજો તથા પેસેજની લોખંડની ગ્રીલ ખુલ્લી હતી અને રસોડાના પ્લેટફોર્મ ઉપર જવેલરીના પાકીટો ખુલ્લા પડેલ હતા અને આ જવેલરીના પાકીટો અમારા ઉપરના પ્રથમ માળે મકાનમાં બેડરૂમમાં આવેલ તીજોરીમાં હોવાનું જણાયું હતું. રસોડાની કાચની બારીનો કાચ તુટેલો હતો અને બારી ખુલ્લી હતી. તસ્કરો બારીમાંથી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી રૂ.1.95 લાખ મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.