સુરત શહેર-જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે 1,91,330 પરીક્ષાર્થી નોંધાયા
આ વર્ષે 30,792 પરીક્ષાર્થી વધ્યા
- ધો-10 માં 1.10 લાખ, ધો-12 કોમર્સમાં 62340, સાયન્સમાં 18020 પરીક્ષાર્થી
સુરત
આગામી માર્ચ-૨૦૨૪ માં લેવાનારી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં સુરત શહેર અને જિલ્લામાંથી કુલ ૧,૯૧,૩૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. આ વિદ્યાર્થીઓ માટે ૬૧૩ પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા જોતા ગત વર્ષ કરતા ૩૦ હજાર વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે.
આગામી ધોરણ ૧૦ અને ૧૨ની ૧૧ મી માર્ચથી પરીક્ષાઓ શરૃ થઇ રહી છે. આ પરીક્ષાને લઇને સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા બોર્ડના આંકડા રજુ થયા હતા. જેમાં ધોરણ ૧૦ માં ૧,૧૦,૯૭૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૨,૩૪૦ તેમજ વિજ્ઞાાન પ્રવાહમાં ૧૮૦૨૦ વિદ્યાર્થીઓ મળીને કુલ ૧,૯૧,૩૩૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વિદ્યાર્થીઓ માટે સુરત શહેર-જિલ્લામાં કુલ ૬૧૩ સ્થળે પરીક્ષા કેન્દ્રો ઉભા કરાયા છે. જેમાં ધોરણ ૧૦ ના ૩૪૭, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૯૨ અને વિજ્ઞાાન પ્રવાહના ૭૪ કેન્દ્રો છે. આ તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે. આમ ગત માર્ચ-૨૦૨૩ માં કુલ ૧,૬૦,૫૩૮ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અને આ વર્ષે -૨૦૨૪ માં ૩૦૭૯૨ વધીને ૧,૯૧,૩૩૦ નોંધાયા છે. આમ આ વર્ષે હાઇએસ્ટ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ હજુ સુધી બોર્ડમાંથી કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનાર છે. તેના ફાઇનલ આંકડા આવ્યા નથી. પરંતુ અમોએ હાલ આટલા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીને પરીક્ષાનું આયોજન કર્યુ છે.