વિવિધ રાજ્યોમાં 1.60 કરોડ સ્માર્ટ વીજ મીટર લાગ્યા, ગુજરાત ટોપ-10માં પણ નહીં
Smart Electricity Meter : દેશના તમામ રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર લગાડવા માટે કેન્દ્ર સરકારે નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશનની 2015માં શરૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં અલગ અલગ રાજ્યોમાં કુલ 22.24 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને આ પૈકી અત્યાર સુધીમાં 1.60 કરોડ મીટર લાગી ચુકયા છે.
જોકે ગુજરાત સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીમાં દેશના ટોપ-10 રાજ્યોમાં પણ નથી. ગુજરાતમાં ઉનાળાની સીઝનમાં સ્માર્ટ મીટર લગાડવાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરાયો હતો. જોકે લોકોએ આ મીટરોમાં બિલ વધારે આવી રહ્યું હોવાના આક્ષેપો સાથે સ્માર્ટ મીટરનો વિરોધ શરૂ કરવો પડયો હતો. જેના કારણે સરકારને પણ લોકોના આક્રોશ સામે ઝુકવું પડયું હતું અને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પર સરકારની વીજ કંપનીઓને બ્રેક મારવાની ફરજ પડી હતી. અત્યારે પણ ગુજરાતમાં સરકારી વીજ કંપનીઓ માત્ર નવા વીજ જોડાણોમાં સ્માર્ટ મીટર ફિટ કરી રહી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે. નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન દ્વારા જાહેર કરાયેલા ઓકટોબર મહિના સુધીના આંકડા પ્રમાણે ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા ગુજરાતમાં ફાળવવામાં આવેલા 1.63 કરોડ સ્માર્ટ મીટરની સામે માત્ર 1.73 લાખ જેટલા સ્માર્ટ મીટર ફિટ કરાયા છે.
સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ટોપ-10માં પણ નથી. અત્યાર સુધીમાં સૌથી વધારે 57 લાખ સ્માર્ટ મીટર બિહારમાં લાગ્યા છે. જોકે ત્યાં આ કામગીરી 2019થી શરૂ કરાઈ હતી. આ જ રીતે 22.65 લાખ સ્માર્ટ મીટરો સાથે આસામ બીજા ક્રમે છે. તેની સાથે સાથે દેશના 12 જેટલા રાજ્યો એવા છે જ્યાં એક પણ સ્માર્ટ મીટર હજી સુધી લાગ્યા નથી.
સ્માર્ટ મીટર લગાવવામાં ટોપ ટેન રાજ્યો(ઓકટોબર સુધીમાં)
રાજ્ય |
કેટલા મીટર મંજૂર |
કેટલા મીટર લાગ્યા |
બિહાર |
2.23 કરોડ |
57 લાખ |
આસામ |
65.44 લાખ |
22.65 લાખ |
યુપી |
3 કરોડ |
13.84 લાખ |
મધ્ય પ્રદેશ |
1.34 કરોડ |
13 લાખ |
પંજાબ |
98.30 લાખ |
10.40 લાખ |
હરિયાણા |
10 લાખ |
8.40 લાખ |
જમ્મુ કાશ્મીર |
21.27 લાખ |
6.10 લાખ |
રાજસ્થાન |
1.47 કરોડ |
5 લાખ |
છત્તીસગઢ |
70.70 લાખ |
4.20 લાખ |
મહારાષ્ટ્ર |
2.35 કરોડ |
3.27 લાખ |
કયા રાજ્યોમાં એક પણ સ્માર્ટ મીટર લાગ્યું નથી
રાજ્ય |
મંજૂર મીટર |
ઝારખંડ |
13.41 લાખ |
કેરાલા |
1.33 કરોડ |
ઉત્તરાખંડ |
15.84 લાખ |
પોંડીચેરી |
4.03 લાખ |
આંદામાન |
90000 |
અરુણાચલ પ્રદેશ |
2.87 લાખ |
ગોવા |
7.41 લાખ |
મણીપુર |
1.54 લાખ |
મેઘાલય |
4.60 લાખ |
મિઝોરમ |
2.89 લાખ |
નાગાલેન્ડ |
3.17 લાખ |
સિક્કિમ |
1.44 લાખ |