વગર વરસાદે ઉકાઇ ડેમમાં 1.53 લાખ ક્યુસેક ઇન્ફ્લો
- સપાટી વધીને 337.12 ફુટ : પ્રકાશા અને હથનુર ડેમના ભયજનક લેવલથી 4 ફુટ દુર રાખી પાણી છોડાઇ રહ્યુ છે
સુરત
ઉકાઇ
ડેમના ઉપરવાસના પ્રકાશા વિયર અને હથનુર ડેમના ભયજનક લેવલથી ચાર મીટર દૂર રાખીને સતત
પાણી છોડી રહ્યા હોવાથી ઉકાઇ ડેમમાં વગર વરસાદે ૧.૫૩ લાખથી ૧.૨૮ લાખ કયુસેક ઇનફલો આવી
રહ્યો છે. આ આવક સામે ૮૦ હજાર કયુસેક પાણી છોડવાનું ચાલુ રાખ્યુ હતુ. આથી ઇનફલોની સામે
આઉટફલો ઓછો હોવાથી ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઇને ૩૩૭.૧૨ ફુટે પહોંચી હતી.
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છેલ્લા બે દિવસથી સામાન્ય વરસાદ નોંધાઇ રહ્યો છે. જેના કારણે ઉકાઇ ડેમના સતાધીશો રાહતના શ્વાસ લઇ રહ્યા છે. પરંતુ ઉપરવાસના મહારાષ્ટ્રના હથનુર ડેમના સતાધીશો ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટર થી ચાર મીટર દૂર રાખીને ૨૧૦.૭૧ મીટર પણ પાણી છોડી રહ્યા છે. એજ રીતે ઉકાઇ ડેમ નજીકના પ્રકાશા વિયરનુ ભયજનક લેવલ ૧૧૧.૦૦ મીટર છે. અને સપાટી ૧૦૭.૦૦ મીટર પર સ્થિર રાખીને જેટલુ પાણી આવે તેટલુ છોડી રહ્યા છે. આજે દિવસ દરમયાન હથનુર ડેમમાંથી ૪૮ હજાર કયુસેક તો પ્રકાશા વિયરમાંથી ૧.૨૦ લાખ કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. પ્રકાશા વિયરનું પાણી સીધુ જ ઉકાઇ ડેમમાં આવે છે. આથી આ પાણી અને સ્થાનિક કેચમેન્ટમાંથી આવતી પાણીની આવક મળીને સવારે ૧.૫૩ લાખ કયુસેકથી ઘટતુ જઇને ૧.૩૮ લાખ કયુસેક અને સાંજના છ વાગ્યે ૧.૨૮ લાખ કયુસેક પાણીની આવક ઠલવાઇ હતી. આ આવકની સામે આજે દિવસના ડેમના આઠ દરવાજા ખુલ્લા રાખીને પહેલા ૯૦ હજાર કયુસેક અને પછી ૧૦ હજાર કયુસેક ઘટાડીને ૮૦ હજાર કયુસેક કરાયુ હતુ.
પાણીની આવકની સામે જાવક વધુ હોવાથી આજે સવારે છ વાગ્યે ઉકાઇ ડેમની નોંધાયેલી સપાટી ૩૩૬.૮૧ ફુટથી વધીને સાંજે છ વાગ્યે થતા ૧૨ કલાકમાં વધીને ૩૩૭.૧૨ ફુટ થઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૪૦ ફુટ છે. અને ભયજનક સપાટી ૩૪૫ ફુટ છે. હાલ ઉકાઇ ડેમ એલર્ટ લેવલ ૩૩૬.૩૪ ફુટ થી ઉપર છે.