વી.જી.એલ.ની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૧.૪૯ લાખ ઉપાડી લીધા
તમે ભરેલા ગેસ બિલની રકમ સિસ્ટમમાં દેખાતી નથી, તેવું કહી છેતરપિંડી કરી
વડોદરા,તમારૃં ગેસ બિલ ભરાયું નથી. તેવું કહીને ભેજાબાજ ગઠિયાએ મહિલા પાસે વી.જી.એલ.( વડોદરા ગેસ લિ.) ની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૨૦૦ રૃપિયાનું ટ્રાન્જેક્શન કરાવ્યું હતું.ત્યારબાદ મહિલાના એકાઉન્ટમાંથી ૧.૪૯ લાખ ઉપડી ગયા હતા. જે અંગે મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર સરસ્વતી સોસાયટીમાં રહેતા પ્રિયંકાબેન પવાર શ્રી કેશવ લેમિનેટ્સમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કમાં મારૃં એકાઉન્ટ છે. ગત તા. ૨૬ મી ઓક્ટોબરે સાંજે સાડા છ વાગ્યે હું ઓફિસે હાજર હતી. તે સમયે મારા સાસુ રોહિણીબેન પવારે મને કોલ કરીને કહ્યું કે, મારા મોબાઇલ પર એક મેસેજ આવ્યો છે. તેમાં મને સમજ પડતી નથી. તે મેસેજ મેં તને વોટ્સએપ પર મોકલ્યો છે. તે જોઇને મને જણાવ કે, શું કહેવા માંગે છે ? મેસેજમાં લખેલા નંબર પર મેં કોલ કરતા સામે વાત કરતી વ્યક્તિએ મને કહ્યું કે, તમે ગેસ બિલ ભર્યુ છે. તે સિસ્ટમમાં દેખાતું નથી. તમે વી.જી.એલ. એપ્લિકેશન ડાઉનલોડ કરો. જેથી, મેં મારા મોબાઇલ પર વીજીએલની એપ્લિકેશન ડાઉન લોડ કરવાની કોશિશ કરી હતી. પરંતુ, મારા મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ નહીં થતી હોવાથી મેં મારી ઓફિસના મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. સામે વાળી વ્યક્તિ સાથે મારે વાતચીત ચાલુ હતી. તે દરમિયાન મને ૨૦૦ રૃપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા મેં મારી આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની એપ્લિકેશનથી રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેણે કહ્યું કે, તમારા રૃપિયા જમા થઇ ગયા છે. ત્યારબાદ મેં ફોન મૂકી દીધો હતો. મેં વડોદરા ગેસ લિ.માં ઓનલાઇન ચેક કરતા ૨૦૦ રૃપિયા માઇનસ જણાયું હતું. ત્યારબાદ મારા એકાઉન્ટમાંથી બે વખત ટ્રાન્જેક્શન થયું હતું. જેમાં ૧.૪૯ લાખ ડેબિટ થઇ ગયા હતા. મેં ઉપરોક્ત મોબાઇલ નંબર પર કોલ કરતા કોઇએ કોલ રિસીવ કર્યો નહતો.