કારમાં સવાર ગઠિયાઓએ પુછ્યું, રામ કે મહાદેવનું મંદિર કયાં છે ?
- તમારી ઉપર પ્રકોપ છે, દાગીના ઉતારી હાથમાં મુકો અને મહાકાલનું સ્મરણ કરોઃ નિવૃત્ત ત્રિવેદી દંપતી સ્મરણ કરતું હતું ત્યારે ગઠિયા ફરાર
સુરત
જહાંગીરાપુરાના શુભમ માર્ટ નજીક અહીં રામ કે મહાદેવનું મોટું મંદિર છે કે નહીં ? એમ કહી નાગાબાવાના સ્વાંગમાં તમારી ઉપર પ્રકોપ છે, પ્રકોપ દૂર કરવા દાગીના ઉતરાવી હાથમાં મુકાવી આંખ બંધ કરી જય મહાકાલનું સ્મરણ કરવાનું કહી ગઠિયા રૂ. 1.47 લાખના દાગીના લઇને કાર પુર ઝડપે હંકારીને ભાગી જતા જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરત-ઓલપાડ રોડ સ્થિત સરોલી ચેક પોસ્ટની પાછળ પરિશ્રમ પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત કિરીટ ચંદ્રકાંત ત્રિવેદી (ઉ.વ. 60) ગત 24 જાન્યુઆરીના રોજ પત્ની અનિતા સાથે સવારે 11 વાગ્યાના અરસામાં શુભમ માર્ટ તરફથી નાસ્તો લઇ પગપાળા પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે એક્સયુવી 300 કારમાં અચાનક ઘસી આવી હતી અને ચાલકે ત્રિવેદી દંપતીની સામે કાર ઉભી રાખી ઇશારો કરી પોતાની પાસે બોલાવી અહીં રામ કે મહાદેવનું મોટું મંદિર છે કે નહીં ? એવું પુછયું હતું.
ત્યાર બાદ ડ્રાઇવરની બાજુમાં શરીરના ઉપરના ભાગે કાળા કલરનું કપડું ઓઢીને બેસેલા નાગા બાવાએ અનિતાને તેના બંને હાથ પોતાની તરફ લંબાવવાનું કહી 1 રૂપિયો માંગ્યો હતો. અનિતાએ 1 રૂપિયાનો સિક્કો આપતા નાગા બાવાએ 500 રૂપિયાની નોટમાં સિક્કો વાળીને અનિતાના હાથમાં મુકી વાતોમાં પળોવી તમારા ઉપર પ્રકોપ છે અને દૂર કરવા તમે પહેરેલા સોનાના દાગીના કાઢીને પોતાના હાથમાં મુકવા કહ્યું હતું. જેથી કિરીટભાઇએ 22 ગ્રામની સોનાની ચેઇન, 4.5 ગ્રામ અને 3.5 ગ્રામની બે વીંટી તથા તેમની પત્ની અનિતાએ 12 ગ્રામની ચેઇન તથા 2.5 ગ્રામની વીંટી નાગા બાવાના હાથમાં મુકી હતી. ત્યાર બાદ નાગા બાવાએ દંપતીને આંખ બંધ કરી જય મહાકાલનું સ્મરણ કરવાનું કહેતા દંપતીએ આંખ બંધ કરતા વેંત ચાલકે કાર પુર ઝડપે હંકારીને ભાગી ગયા હતા. કારનો અવાજ સાંભળી દંપતીએ આંખ ખોલી હતી પરંતુ કાર પુર ઝડપે નીકળી ગઇ હતી. કિરીટભાઇ કારનો નંબર જોતા સિરીઝ વાંચી શકયા ન હતા પરંતુ કારનો રજીસ્ટ્રેશન નં. જીજે-18-8845 હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવી છે.