1.47 કરોડના કોકેઇન પ્રકરણમાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો
પશ્ચિમ કચ્છ એસપીએ રચેલી સ્પેશીયલ ટીમને મળી સફળતા
લાકડીયા પોલીસ આરોપીઓને લઇને પંજાબ ગઇ હતી જ્યાં પોલીસને થાપ આપી બે નાસી ગયા હતા
ગત ૨૮ના લાકડીયા હાઇવે પાસે એસઓજી અને સ્થનિક પોલીસની ટીમે હરિયાણા પારસિંગની કારને રોકીને તલાસી લઇ કારના બોનેટ નીચેના એરફિલ્ટરમાંથી ૧.૪૭ ગ્રામનું રૂપિયા ૧.૪૭ કરોડની કિંમતનું કોકેઇન સાથે કાર સવાર હનિરસિંગ બિન્દરસિંગ શીખ, સંદીપસિંહ પપ્પુસિંહ શીખ, જસપાલકોર ઉર્ફે સુમન ગુલવંતસિંહ ઉર્ફે શનિભાઇ શીખ અને આર્શદીપકોર સંદીપસિંગ શીખ નામના ચાર આરોપીઓને પકડી પાડયા હતા. લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તપાસ કામ અર્થે લાકડીયા પોલીસ ચારેય આરોપીઓને લઇને પંજાબ ગઇ હતી. ત્યારે પોલીસ વાહનમાં પંકચર પડતાં પોલીસની નજર ચુકાવીને આરોપી હનિરસિંગ બિન્દરસિંગ શીખ, સંદીપસિંહ પપ્પુસિંહ શીખ નાસી ગયા હતા. આ આરોપીઓને પકડવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ તેમના સુપરવિઝન હઠળ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલાના નેત્ત્વમાં ટીમની રચના કરી હતી. જેમાં એએસઆઇ મદનસિંહ લાલુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલા, કિશોરસિંહ જાડેજાએ ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનની બોર્ડરના બાલોત્રા શહેરના દિપ હોટલ પાસેથી ભાગેડુ આરોપી સંદીપસિંગ પપ્પુસિંગ શીખ (ઉ.વ.૨૫)ને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસને હવાલે કર્યો હતો.