CASHથી કિંમતી કેશ! છરીની અણીએ 36 કિલો વાળની લૂંટ થઈ
મેંદરડાની જામકા ચોકડી નજીક 1.44 લાખની વેગળી મત્તાની લૂંટ
Mendara Robbery Case: આજ સુધી પૈસા, દાગીના, ગાડીની લૂંટ થતી આવી છે, પરંતુ હવે માથાના વાળની પણ લૂંટ થવા લાગી છે. મહિલાઓના લાંબા વાળની ખૂબ ઊંચી કિંમત હોય છે, જેના કારણે વાળની લૂંટનો એક બનાવ બન્યો છે. સાવરકુંડલામાં બાઈક પર વાળનો કોથળો લઈને જતા એક યુવકને રસ્તામાં આંતરીને કારમાં આવેલા ત્રણ શખસે છરીની અણીએ લૂંટી લીધો હતો. આ વાળની કિંમત રૂ. 1.44 લાખ હતી. આ ઘટના પછી પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી દઈને આરોપીઓને પકડી લીધા છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ સાવરકુંડલાના રહેવાસી એવા બાલુભાઈ ઉર્ફ બાલો વાઘેલાને લીખાળા ગામના પિતરાઈ રાજુભાઈ વાઘેલાએ વાળનો થેલો લઈ જવા કહ્યું હતું. આ પછી બાલુભાઈ એના કાકાના દીકરા નરસિંહભાઈ સાથે બાઈક પર મેંદરડાથી વાળ લેવા માટે નીકળ્યા હતા. તેવામાં ચલાળા પાસે પહોંચતા ત્યાં રાજુભાઈ વાળનો થેલો લઈને ઊભા હતા. આમ ૩૬ કિલો વાળનો થેલો લીધા બાદ ત્રણેય ભાઈઓ ચલાળા ગામ પાસે હોટલમાં સાથે જમ્યા હતા અને ત્યારબાદ બાઈક પર વાળનો થેલો લઈ મેંદરડા તરફ જવા નીકળ્યા હતા.
જામકા ચોકડીથી મોટી ખોડીયાર ગામ પાસે પહોંચતા પાછળથી આવેલ અજાણી કારે બાઈકને ઉભું રખાવ્યું હતું. કારમાંથી ઉતરી અજાણ્યા ત્રણ શખસે છરી બતાવી બાઈક પર રાખેલ વાળનો કોથળો ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ અજાણ્યા શખસે બાલુભાઈ અને તેના પિતરાઈ નરશીભાઈને બાઈક પરથી ઉતારી બાઈક ઝૂંટવી નાસી ગયા હતા. દિન દહાડે છરીની અણીએ બાઈક અને રૂ.1.44 લાખનો વાળનો કોથળો મળી રૂ.1.74 લાખની મતાની લૂંટ થયાના બનાવ અંગે બાલુભાઈએ અજાણ્યા ત્રણ શખસ સામે મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી નાસી ગયેલ શખસને ઝડપી લેવા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંતે પોલીસની સર્ચ બાદ લૂંટારૂઓને પકડી પાડવામાં આવ્યા હતા.