વડોદરામાં 11 ભુવાના સમારકામ પાછળ રૂ.1.22 કરોડનો ખર્ચ : મોડે-મોડેથી દરખાસ્ત રજૂ થતાં વિવાદ
: વડોદરા શહેરમાં ચોમાસા દરમ્યાન ઠેર ઠેર અનેક ભુવાઓ પડયા હતા તેના સમારકામ માટે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક કામગીરી કરાવી પડી હતી. જેમાં કમિશનરને મળેલી સત્તા પ્રમાણે કલમ-67-3-સી અંતર્ગત 11 સ્થળો પર પુરાણની કામગીરીની જાણકારી આપતી દરખાસ્ત મોડે મોડેથી સ્થાયી સમિતિમાં રજૂ થતાં વિવાદ સર્જાયો છે. જેની પાછળ 1.22 કરોડનો ખર્ચ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં ચોમાસા દરમ્યાન ભુવા પડ્યા હતા. જેમાંથી 11 ભુવાના કામોના ખર્ચની જાણકારી અંગે કમિશનરે દરખાસ્ત રજૂ કરી છે. પશ્ચિમ ઝોનમાં અકોટા-દાંડિયા બજાર બ્રિજથી અકોટાથી અટલાદરા સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી મુખ્ય ડ્રેનેજ લાઈન પર એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક પાસે થયેલા ભંગાણના સમારકામ પાછળ કુલ રૂ.16.49 લાખ, મુજમહુડા સામ્રાજ્ય એસબીઆઈ બેન્કની સામે ભંગાણ પાછળ રૂ.24.12 લાખ, સામ્રાજ્ય-2 ના ગેટ પાસે રૂ.27.65 લાખ, અકોટા રોડ પર ફોરચ્યુન હોટલ પાસે રૂ.7.33 લાખ, અકોટા ચાર રસ્તા પાસે રૂ.2.85 લાખ, અકોટા શ્રેણીકપાર્ક ગાય સર્કલ પાસે સુવેજ લાઈન પર ભંગાણ સમારકામ પાછળ રૂ.3 લાખ, જેપી રોડથી અકોટા રોડ પર ભંગાણ પાછળ રૂ.5.39 લાખ, અકોટા ફોરચ્યુન હોટલ પાસે (બીજો ભૂવો) 15.81 લાખ, રેસકોર્સ મેઘધનુષ કોમ્પલેક્સ પાસે રૂ.7.76 લાખ, અકોટા-દાંડિયાબજાર બ્રિજથી ગાય સર્કલ જતા રામપુરા પાસે ભંગાણના સમારકામ પાછળ રૂ.7 લાખનો ખર્ચ થયો છે.