સેવાસી ગામની જમીનનો સોદો કરી બિલ્ડર સાથે ૧.૦૩ કરોડની છેતરપિંડી
સ્કીમમાં પાછળથી ભાગીદાર બનાવવાનું કહી ફરી જનાર સ્ટીલના વેપારી સહિત ત્રણ સામે ફરિયાદ
વડોદરા,સેવાસી ગામમાં આવેલી જમીનના સોદામાં ૧.૦૩ કરોડ ખેડૂતોને ચૂકવનાર બિલ્ડરને સ્કીમમાં ભાગીદાર બનાવવાનું કહીને ફરી જનાર સ્ટીલના વેપારી સહિત ત્રણ આરોપીઓ સામે ગોત્રી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોત્રી રોડ રત્નાકર સોસાયટી સામે માંગલ્ય ટેનામેન્ટમાં રહેતા બિલ્ડર જયેશકુમાર લાલાભાઇ પારેખે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૩ માં સેવાસી ગામની સીમમાં બ્લોક નંબર - ૯૯ વાળી જમીન લેવાનું નક્કી કર્યુ હતું. આ સર્વે નંબર વાળી જમીન પૈકી ચંદ્રકાંત ભાઇલાલભાઇ પટેલ, પ્રમોદભાઇ ભાઇલાલભાઇ પટેલ તથા સતિષ ભાઇલાલભાઇ પટેલની પાસેથી ૫,૨૪૦ ચો.મી. જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી ૭.૭૫ કરોડમાં લેવાનું નક્કી કર્યુ હતું. અમારી સાઇટ પર સ્ટીલ સપ્લાય કરતા વ્યોમેશ પટેલ અને મારા નામે જમીનનું બાનાખત ખેડૂતો પાસે કરાવ્યું હતું. બાનાખતમાં જણાવ્યા મુજબ ૫૧ લાખ ત્રણેય ખેડૂતોને સરખે ભાગે ચૂકવ્યા હતા. ત્યારબાદ ટી.પી. પડતા ૪૦ ટકા જમીન કપાતમાં ગઇ હતી. જેથી, જમીન માલિકો સાથે આ જમીન ૪.૪૮ કરોડમાં લેવાનું નક્કી કર્યુ હતું. દરમિયાન બે ખેડૂતોને આપેલા ચેક રિટર્ન થતા વ્યોમેશભાઇએ મને કહ્યું હતું કે, જમીન માલિક તમારા નામે દસ્તાવેજ કરી આપવાની ના પાડે છે. પરંતુ, હું તેઓને સમજાવી દઇશ. હાલમાં હું મારા નામે દસ્તાવેજ કર્યા પછી તમને પાછળથી ભાગીદાર બનાવી દઇશે. વ્યોમેશભાઇએ તેમના તથા તેમના ભાઇ કૌશિક ચીમનભાઇ પટેલ (રહે.ઉદય પાર્ક સોસાયટી, જેતલપુર રોડ) તથા પીયૂષ વિનયચંદ શાહ ( રહે. ભૂપત ચીમન બંગલો સામે, ગીતા ચોક ક્રિષ્ણા નગર, ભાવનગર) ના નામે દસ્તાવેજ કરાવી દીધો હતો. વ્યોમેશભાઇએ સ્કીમ ડેવલપ કરતા સમયે મને ભાગીદાર બનાવવાનું કહ્યું હતું. પરંતુ, પાછળથી તેઓએ મને ભાગીદાર તરીકે રાખ્યો નહતો. તેમજ મેં ખેડૂતોને ચૂકવેલા ૧.૦૩ કરોડ પણ પરત આપ્યા નહતા.