પાંડેસરાની આર્વીભાવ સોસાયટીની ઘટના: ક્લિનીક ચલાવવું હોય તો 1 લાખ રૂપિયા હપ્તો આપવો પડશે નહીં તો હાથ-પગ તોડી નાંખીશ
- મધરાતે ડોક્ટર ઇમરજન્સી સારવાર માટે જઇ રહ્યા હતા ત્યારે ધમકી આપી હપ્તાની માંગણી કરનાર માથાભારેની ધરપકડ
સુરત
પાંડેસરાની આર્વીભાવ સોસાયટીમાં દુર્ગેશ ક્લિનીક ચલાવતા ડોક્ટરને તારે ક્લિનીક ચલાવવું હોય તો મને 1 લાખ રૂપિયા હપ્તો આપવો પડશે અને નહીં આપે તો હાથ-પેર તોડ દુંગા એવી ધમકી આપનાર સ્થાનિક વિસ્તારના માથાભારે વિરૂધ્ધ પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે.
પાંડેસરાની આર્વીભાવ સોસાયટીમાં રહેતા અને ઘર નીચે દુર્ગેશ ક્લિનીક નામે પ્રેક્ટીસ કરતા ડો. વિનોદ રઘુનાથ પ્રસાદ (ઉ.વ. 43 મૂળ રહે. સીયાચૌહર, તા. ગણવાર, જી. બલીયા, યુ.પી) ઉપર ગત 22 નવેમ્બરે રાતે 1 વાગ્યે દર્દીનો ફોન આવ્યો હતો. જેથી ડો. વિનોદ સારવાર માટે જવા ઘરના આંગણામાં પાર્ક બાઇક ચાલુ કરી રહ્યા હતા ત્યારે સોસાયટીમાં જ રહેતો માથાભારે રવિ ઉર્ફે બંટી ઉર્ફે બંટી ચોર તુકારામ બડગુજર (ઉ.વ. 27 રહે. આર્વીભાવ સોસાયટી-1, ગુ.હા. બોર્ડ, પાંડેસરા) ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. બંટીએ ડો. વિનોદને ધમકી આપતા કહ્યું હતું કે તારે જો આર્વીભાવ સોસાયટીમાં ક્લિનીક ચલાવવું હોય તો તારે મને 1 લાખ રૂપિયા હપ્તો આપવો પડશે, નહીં તો હું તારૂ ક્લિનીક બંધ કરાવી દઇશ અને તારા હાથ-પગ તોડી નાંખીશ. જેથી ડો. વિનોદ ડરી ગયો હતો અને દર્દીની સારવાર માટે જવાનું છે કહી ત્યાંથી નીકળી ગયો હતો.
પરંતુ ગત સાંજે ડો. વિનોદ ક્લિનીક પરથી કામ અર્થે બહાર ગયા હતા ત્યારે બંટી પુનઃ ક્લિનીક ખાતે ગયો હતો અને ડોક્ટરને ઉદ્દેશની જાહેરમાં ગાળાગાળી કરતો હતો. જેથી ક્લિનીકમાં કામ કરતી કાજલ મિશ્રાએ ડો. વિનોદને ફોન કર્યો હતો. ડો. વિનોદે કાજલના મોબાઇલથી બંટી સાથે વાત કરતા તેણે ધમકી આપી હતી કે તેરે કો દસ દિન પહેલે ક્લિનીક ચલાને કા 1 લાખ હપ્તા દેને કો બોલા થા, અભી તક કિયુ નહીં દીયા હૈ, તુ કહા હૈ મે તેરે ક્લિનીક કે બહાર ખડા હું, તું મેરા હપ્તા લે કે આ, પોલીસ કો બતાયા તો હાથ-પેર તોડ દુંગા. જેથી ડરી જતા વિનોદ ક્લિનીક ઉપર ગયો ન હતો અને મિત્રની મદદથી ફરિયાદ નોંધાવતા પોલીસે માથાભારે બંટીની ધરપકડ કરી છે.