રશિયાના અંતરિયાળ વિસ્તારમાં જઈને રીંછની દુર્લભ ફોટોગ્રાફી કરી
શાહીબાગમાં રહેતા 52 વર્ષીય ડૉ. મનીષ નાગપાલ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે
રશિયામાં
કરેલી ફોટોગ્રાફીને બુક સ્વરૂપે પબ્લિશ કરી છે જેમાં ફોટો અને તેના વિશેની માહિતી
આપી છે
દરેક
વ્યક્તિના પોતાના વિવિધ શોખ હોય છે. જે તેને હંમેશા કંઈક ક્રિએટીવ કરવા માટે
પ્રોત્સાહન આપે છે અને આપણી સ્ટ્રેસફુલ લાઈફમાંથી પણ થોડો વિરામ પણ મળે છે ત્યારે
શાહીબાગમાં રહેતા મનીષ નાગપાલ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે અને ઘણી બધી
જગ્યાએ જઈ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરી છે ત્યારે, તાજેતરમાં જ ડૉ.મનીષે રશિયાના અંતરિયાળ
વિસ્તારમાં જઈ રીંછની ફોટોગ્રાફી કરી છે. જે ગ્રૂપ સાથે તેઓ ફોટોગ્રાફી માટે ગયા
હતાં તેમાં તેઓ એકમાત્ર ગુજરાતી હતા.
આ
વિશે મનીષ નાગપાલે કહ્યું કે,'ફોટોગ્રાફીનો શોખ તો મને ખૂબ બાળપણથી હતો પરંતુ 2004થી વાઈલ્ડ લાઈફ
ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું હતું. હું આફ્રિકામાં મસાઈમારા, કોરબેટ નેશનલ પાર્ક, વેળાવદર, રશિયા,
કચ્છના નાના રણ જેવી ઘણી જગ્યાએ અત્યાર સુધીમાં ફોટોગ્રાફી માટે ગયો
છું. તાજેતરમાં જ અમે ઈસ્ટ રશિયાના કામચાટકા વિસ્તારમાં ફોટોગ્રાફી માટે ગયા હતા.
આ વિસ્તાર ખૂબ જ અંતરિયાળ છે અને અહીં નહિવત્ માનવવસવાટ છે. બીજી રીતે કહીએ તો એ
જગ્યા આજે પણ સંપૂર્ણપણે પ્રાકૃતિક છે. આ વોલ્કેનિક વિસ્તારમાં જવા માટે પણ પરમિશન
લેવી પડે છે, ત્યાંના વસવાટ વિશે વાત કરું તો, ત્યાં ડોમની સુવિધા હોય છે જેમાં રહી શકાય.અમારું 6 લોકોનું ગ્રૂપ હતું.
ત્યાં ફોટોગ્રાફી કરવા જઈએ ત્યારે ત્યાના ગાર્ડ પણ અમારી સાથે આવતાં અને બધાં જ
ફોટોગ્રાફર્સને ઈન્સ્ટ્રક્ટ કરતાં. મેં અહીં ક્લિક કરેલાં ફોટોગ્રાફની એક બુક પણ
પબ્લિશ કરી છે જેમાં ફોટોગ્રાફ સાથે તેની માહિતી પણ આપવામાં આવી છે. '
માનવસર્જિત કચરાંનો બીજા પ્રદેશમાં નિકાલ કરવામાં આવે છે
અમે
જે જગ્યા પર ગયાં હતા એ જગ્યાને નેચરલ રાખવા માટે ઘણાં બધાં પ્રયત્નો કરવામાં આવે
છે જેમાંથી એક પદ્ધતિ એવી છે કે,
જેમાં આપણે તે ડોમમાં જેટલાં પણ દિવસ રહીએ તે સમયે જે કંઈ પણ
વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય, જેમ કે આપણે જમ્યા હોઈએ તો તેમાં
જે કંઈ પણ વપરાયું હોય તો તેનો ત્યાંની ટીમ દ્વારા અન્ય કોઈ જગ્યાએ નિકાલ કરવામાં
આવે છે.
જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર
મહિનામાં રીંછ જોવા મળે છે
જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અહીં આ રીંછ આવતાં હોય છે કારણ કે, આ ત્રણ મહિનામાં અહીંના કુરિલે લેકમાં સેલમન ફિશ આવતી હોય છે અને રીંછ આ ફિશનો શિકાર કરતાં હોય છે. ત્યાં ઘણા બધાં સારા એક્સપિરયન્સ થયાં છે. અહીં ખૂબ ઓછા લોકો આવતાં હોવાથી અહીંની પ્રકૃતિ જળવાઈ રહી છે અને આ વોલ્કેનિક વિસ્તાર હોવાથી ખૂબ સુંદર છે.