માતૃભાષાના વિકાસ અને વિસ્તાર માટે ગુજરાતી સાહિત્યની આ સંસ્થાઓ વિશિષ્ટ કામગીરી કરે છે
પરિવારના સભ્યો બાળકોને સંસ્કાર આપવાનું કામ કરે છે જ્યારે માતૃભાષા બાળકના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. દરેક વ્યક્તિ માતૃભાષામાં જ્ઞાાન મેળવે તે જરૂરી છે. બદલાતા સમયમાં માતૃભાષાથી લોકો વિખૂટા પડી રહ્યા છે ત્યારે માતૃભાષાની વૃદ્ધિ થાય અને છેવાડાના લોકો સુધી માતૃભાષાના જ્ઞાાનનો ફેલાવો થાય તે માટે છેલ્લાં ઘણા વર્ષોથી શહેરમાં શહેરમાં વિવિધ સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓના આગેવાનોએ કહ્યું કે, માતૃભાષાને જીવંત રાખવી અને તેની સાથે જીવન જીવવાની મજા કંઇક અલગ છે ત્યારે માતૃભાષાનો વધારેમાં વધારે પ્રચાર-પ્રસાર થાય તે માટે કાર્યને વધુ પ્રાધાન્ય આપીએ છીએ.
જીવનમાં
માતૃભાષાના જ્ઞાાનનું મૂલ્ય અમુલ્ય છે
ગુજરાતીને વધુ વેગવંતી બનાવવા અને છેવાડાના લોકો સુધી તેનો પ્રચાર-પ્રસાર થાય તે માટે અને ફોર્બ્સ અને કવિ દલપતરામે 26 ડિસેમ્બર 1848ના દિવસે 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરી હતી. અંગ્રેજ અમલદાર ફોર્બ્સે કવિ દલપતરામ પાસેથી ગુજરાતી ભાષા શીખી હતી. ફૉર્બ્સને ગુજરાતી ભાષા પ્રત્યેની એક લાગણી હતી અને તેે લીધે જેટલો સમય મળ્યો તે રીતે ભાષા શીખીને નવી જ નામના મેળવી હતી. ગુજરાત વિદ્યાસભામાં ગુજરાતી ભાષા-સાહિત્ય, હસ્તપ્રતોના સંગ્રહનો અખૂટ ખજાનો છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનોનો મુખ્ય હેતુ ગુજરાતી ભાષાની સમૃદ્ધિ, કન્યાકેળવણી અને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો હતો. ગુજરાત વિદ્યાસભા ભો.જે.ભવનમાં 80 હજારથી વધુ પુસ્તકનો સંગ્રહ છે. - પ્રીતિબહેન પંચોલી, ડાયરેક્ટર, ભો.જે. વિદ્યાભવન
વ્યકિત
ક્યારેય માતૃભાષાથી અલગ થઇ શકતો નથી
વ્યકિત ક્યારેય માતૃભાષાથી અલગ થઇ શકતો નથી. વ્યકિત પોતાના મનગમતા પુસ્તકનું વાંચન કરે પણ સ્વપ્ન તો માતૃભાષાનું આવે છે. ગુજરાતી સાહિત્ય પરીષદ ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે કામ કરતી 116 વર્ષ જૂની સંસ્થા છે. માતૃભાષા સાથેનો એક લગાવ દરેક વ્યકિતને કંઇક નવું શીખવે છે. વધુમાં વધુ લોકો સુધી માતૃભાષાના જ્ઞાાનનો ફેલાવો થાય તે માટે ગુજરાતી સાહિત્ય પરીષદ વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં વાંચનાલયમાં મનગમતા પુસ્તકોનું વાંચન કરવા માટે લોકો આવી રહ્યા છે જેને જોઇને ઘણો આનંદ થાય છે. ગુજરાતી ભાષામાં પ્રદાન આપનાર સાહિત્યકારોને ક્યારેય ભૂલવા જોઇએ નહીં. - પ્રફુલ રાવલ, ઉપપ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ
37 વર્ષમાં ગુજરાતી ભાષાના 25 ગ્રંથોમાં 21 હજાર લખાણ લખાયા છે
ગુજરાતી ભાષાને પોતાનો વિશ્વકોશ હોવો જોઇએ તેવા નિર્ધાર સાથે 2 ડિસેમ્બર 1985ના દિવસે એક ભોજનગૃહમાં વિશ્વકોશની શરૃઆત કરવામાં આવી હતી. વિશ્વકોશ એ પોતાની ભાષામાં સમગ્ર વિશ્વના જ્ઞાાનનો ભંડાર છે. 170 વિષયો અને તે વિષયમાં ધર્મ, વિજ્ઞાાન-ટેકનોલોજી, ખગોળ, માતૃભાષા સહિતના વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતી ભાષાના 25 ગ્રંથોમાં 21 હજાર લખાણ તૈયાર કરવામાં આવ્યા છે અને તેનો લાભ માતૃભાષાના અભ્યાસ કે પછી વાંચન દ્વારા લોકોને મળે છે. માતાનું દૂધ બાળકના શરીરને ઘડે છે જ્યારે માતૃભાષા વ્યકિતના મનને ઘડે છે. માતૃભાષામાં કોઇપણ વિષયની વિસ્તૃત અને સઘન માહિતી મળે તે માટેના વિવિધ પુસ્તક પણ તૈયાર કરવામાં આવ્યા છે. બાળકોને માતૃભાષામાં જ્ઞાાન મળે તે માટે બાળ વિશ્વકોશ 10 ભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે. - ડૉ.કુમારપાળ દેસાઇ, ટ્રસ્ટી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
માધ્યમ
ગુજરાતી ઉત્તમ અંગ્રેજી દ્વારા બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત
કવિ નિરંજન ભગત સમગ્ર જીવન ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા રહ્યા હતા. નિરંજન ભગત હંમેશા બાળકોને 'માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી' શિક્ષણ આપવા પર વધુ ભાર આપ્યો હતો. ગુજરાતી સાહિત્ય શિક્ષણનો પ્રચાર થાય તે માટે નિરંજન ભગત ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી શિક્ષણ માટેની કામગીરી કરવાની પહેલ કરી છે અને તે બાળકોને ગુજરાતી સાહિત્યની સાથે અંગ્રેજી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળકો માટે અલગથી પાઠય પુસ્તક, વોલિયેન્ટર, સ્ટાફ, સ્કૂલ સાથેનું જોડાણ કરીને સપ્તાહમાં એકવાર આ રીતે બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. માતૃભાષા સાથે જોડાયેલા રહેવાથી એક જ નવા જ પ્રકારની ઊર્જાનો સંચાર કરવાનું કામ કરે છે. - ચિંતનભાઇ પરીખ, ટ્રસ્ટી, નિરંજન ભગત ટ્રસ્ટ
યુવા
વર્ગ માતૃભાષામાં રૃચિ કેળવે માટે માતૃભાષા અભિયાનની શરૂઆત કરાઇ
સમગ્ર સમાજના યુવા વર્ગને માતૃભાષાનું વિશિષ્ટ જ્ઞાાન મળે તે સાથે પોતાની જાતે માતૃભાષાનું યથાયોગ્ય સાહિત્યિક પ્રદાન આપે તે માટેે 2015માં માતૃભાષા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. માતૃભાષા અભિયાનમાં વિશિષ્ટ કાર્યક્રમ કરવામાં આવે છે અને તેને લીધે માતૃભાષાનો પ્રચાર-પ્રસાર કરી શકાય છે. માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતમાં વિવિધ કાર્યક્રમ દ્વારા આશરે 10 લાખથી વધારે પુસ્તકો વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યા છે. દાદા-દાદીનો ઓટલો, ગોઠડી, પરસ્પર સહિતના કાર્યક્રમ કરીને બાળકોથી લઇને યુવા વર્ગને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જોડવાનું કાર્ય કરવામાં આવે છે. માતૃભાષા અભિયાનને લીધે લોકો માતૃભાષા સાથે જોડાઇ રહ્યા છે જેનાથી અમને ઘણો આનંદ થાય છે. - રાજેન્દ્ર પટેલ, ટ્રસ્ટી, માતૃભાષા અભિયાન