Get The App

લગ્નને દિવસે પહેરેલાં પાનેતર અને ઘરચોળાની અમુલ્ય યાદો

Updated: Dec 19th, 2023


Google News
Google News
લગ્નને દિવસે પહેરેલાં પાનેતર અને ઘરચોળાની અમુલ્ય યાદો 1 - image


- લગ્નનો પોશાક પાછો ક્યારે પહેરાય?

માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણામાં લગ્ન એક આનંદ ઉલ્લાસનું પર્વ છે. બે આત્માઓના મિલનનો આ એક ઉત્સવ છે. પ્રજોત્પત્તિ માટે સમાજે માન્ય કરેલો આ એક પ્રસંગ છે. આપણા દેશમાં લગ્ન માત્ર બે વ્યક્તિઓનું જ નહીં પરંતુ બે કુટુંબોનું સાયુજ્ય છે. આ કારણે પણ આપણા સમાજમાં લગ્ન ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેનું સામાજિક મૂલ્ય છે.

પરંતુ લગ્ન સમારંભ રંગે- ચંગે પતી જાય મહેમાનો એક પછી એક વિદા થઈ જાય અને હનીમુન પતાવી નવપરિણિત યુગલ પણ રોજિંદી ઘટમાળમાં જોડાઈ જાય. પરંતુ લગ્નની આ ક્ષણો યાદગાર બનાવતી કેટલીક વસ્તુઓ તેમને મન અમુલ્ય હોય છે. લગ્નના ફોટા, વિડીયો કેસેટ ઉપરાંત લગ્નને દિવસે ચોરીમાં ફેરા ફરતી વખતે પહેરેલું પાનેતર અને ઘરચોળું તેમને તેમના લગ્નની યાદ દેવડાવે છે. પશ્ચિમના કેટલાંક દેશોમાં લગ્નનો પોશાક માતા તેની પુત્રીને તેના લગ્નને દિવસે આપે છે. સુખી દાંપત્યજીવનનું આ એક યાદગાર પ્રતીક છે. આ ભેટ આપીને માતા તેની પુત્રીને સુખી દાંપત્યજીવનનો આશીર્વાદ આપે છે. પુત્રી પણ પોતાની જેવું જ સુખ અને લાંબુ દાંપત્યજીવન જીવે એવા આશીર્વાદ રૂપે માતા પોતાની પુત્રીને આ ભેટ આપે છે. પશ્ચિમમાં લગ્નનો આ પોશાક લગ્નના દિવસ પછી ભાગ્યે જ પહેરાય છે. કબાટમાં આ પોશાક એક અમુલ્ય યાદગીરી રૂપે સાચવી મૂકવામાં આવે છે.

ભારતમાં આ પોશાક શુભ પ્રસંગે અથવા ઘરમાં પૂજા હોય ત્યારે કે કોઈ ખાસ પ્રસંગે પહેરવામાં આવે છે. કેટલીક જ્ઞાાતિમાં પુત્રીના લગ્ન પ્રસંગે કન્યાદાન આપતી વખતે માતા આ પોશાક પહેરે છે. તો કેટલીક કોમમાં કુટુંબના પુત્રના લગ્ન હોય ત્યારે કુટુંબની સ્ત્રીઓ ઘરચોળું પહેરે છે અને પુત્રીના લગ્ન હોય ત્યારે પાનેતર પહેરવાની પ્રથા છે.

મોટાભાગે લગ્નનું પાનેતર અને ઘરચોળું રેશમી હોય છે. આથી લાંબા સમય સુધી ટકી રહે છે. આવા કિસ્સાઓમાં કપડાં વર્ષો સુધી પહેરવામાં આવે છે.

આજકાલ સાડી અને ડ્રેસો ખૂબ જ મોંઘા થતા જાય છે. આ કારણે આટલા ભારે કપડાં પહેરવાનો પ્રસંગ ભાગ્યે જ આવે છે. કુટુંબમાં કોઈ પ્રસંગ હોય ત્યારે જ પહેરી શકાય છે. બાકી દૂરના સગાના લગ્નમાં આવો પોશાક પહેરી શકાતો નથી.

કેટલીક કોમોમાં લગ્નને દિવસે સુતરાઉ પાનેતર પહેરે છે. આ કપડાં લાંબા સમય સુધી ટકતા નથી. આથી તેને કબાટમાં સાચવીને રાખવામાં આવે છે અને ખાસ પહેરવામાં આવતા નથી. કેટલાંક કિસ્સાઓમાં સાડી પડી પડી ફસકી જાય છે. આ સાડીઓ પછી ઘરમાં રહેલા ચાંદીના વાસણો બાંધવાના ઉપયોગમાં લેવાય છે. સાડી ગમે તેટલી ફાટી જાય તો પણ તેને કાઢી નાખવામાં આવતી નથી.

કેટલીક ઉત્તર ભારતીય કોમમાં કડવા ચોથને દિવસે આ સાડી પહેરી પૂજા કરવામાં આવે છે.

દક્ષિણ ભારતીય કોમમાં આ સાડી પોતાના નવા ઘરમાં પ્રથમ વાર પ્રવેશતી વખતે પહેરવામાં આવે છે. આ ઉપરાંત સુહાગ રાત્રે પણ આ સાડી પહેરી સુહાગ કક્ષમાં દાખલ થવાની પ્રથા છે. કેટલીક જૈન કોમમાં લગ્ન પછી વિદાય સમયે ઘરચોળું પહેરવામાં આવે છે અને ઘરચોળું પહેરીને જ પ્રથમવાર પોતાના સાસરિયામાં નવવધુ કુમકુમ વરણા પગલાં પાડે છે.

તેલુગુ બ્રાહ્મણ કોમમાં પણ આ સાડી વિદાય વખતે પહેરવામાં આવે છે. ત્યાર પછી આ સાડી માત્ર બેજ વાર પહેરવામાં આવે છે. પ્રથમ રાત્રે અને પ્રથમ સંતાનના જન્મ સમયે આ સાડી બેડિંગ તરીકે વાપરવામાં આવે છે. તો અમુક કોમમાં બાળકનું ઘોડિયું આ સાડીથી બાંધવામાં આવે છે.

કુર્ગી પુરુષે લગ્ન પ્રસંગે પહેરેલો પોશાક તેને મૃત્યુ પછી પહેરાવવામાં આવે છે. તો કેટલીક કોમમાં સૌભાગ્યવતી સ્ત્રીને મૃત્યુ પછી દુલ્હનના લિબાશમાં સજાવીને ચિતા પર સુવડાવવામાં આવે છે.

આમ લગ્નના આ પોશાકનો સંબંધ લાગણી સાથે છે. એક ખાસ દિવસની યાદોની મહેક આ પોશાકમાં સમાયેલી છે. પરંતુ ભાતભાતની પ્રથાએ આ મહેકને વધુને વધુ પ્રસરાવી છે.

Tags :
Sahiyar-Magazine

Google News
Google News