વાસુદેવ મહેતા અજોડ પત્રકાર હતા, તેમણે મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ કર્યું હતું
'વાસુદેવ મહેતાના પત્રકારત્વ જીવન' પર વ્યાખ્યાન યોજાયું
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહમાં ગુજરાત દર્પણ (અમેરિકા)ના સંયુકત ઉપક્રમે 'વાસુદેવ મહેતાના પત્રકારત્વ જીવન' પર વ્યાખ્યાન યોજાયું હતું.
લોકનિષ્ઠ અને મૂલ્યનિષ્ઠ એવા વાસુદેવ મહેતાએ પાંચ દાયકાથી પણ વધારે સમય સુધી પત્રકારત્વ કરીને લોકહિત માટે કામ કર્યું હતું, તેમના પત્રકારત્વ જીવન વિશે વાત કરતા કુમારપાળ દેસાઇ કહ્યું કે, 'વાસુદેવ મહેતાએ પોતાને યોગ્ય લાગે તે લખ્યું, કોઇની શેહ- શરમમાં આવ્યા વિના, જોખમો કે પ્રલોભનોએ તેમને વિચલિત કર્યા નહીં અને સતત લોકહિતમાં સાચું લાગે તે લખ્યું હતું. તેમને લડવું, વેઠવું અને ખુવાર થવું એ તેમના જીવનની પ્રતિભા હતી. તેમણે જાતિવાદના ઝેર સામે પણ સતત લખ્યું હતું તેમનું જીવન સાદું હતું અને કોઇપણ ભોગે તેઓ મૂલ્યનિષ્ઠાને વળગી રહેવામાં માનતા હતા.'
આ પ્રસંગે તેમના હાથ નીચે અભ્યાસ કરેલા અને તેમનાં પૂર્વ સહકાર્યકર એવા પ્રીતિબહેન શાહે વાત કરતા કહ્યું કે, 'વાસુદેવ મહેતાની નિર્ભિક અને લોકભાગ્ય ભાષાશૈલીની ચર્ચા ઉદાહરણ આપીને કરી હતી વધુમાં તેઓ પોતાની વાતને સચોટ અને અસરકારક રીતે રજૂ કરી શકતા હતા.'
આ પ્રસંગે રમેશ તન્નાએ કહ્યું કે, '૮૦ વર્ષના પોતાના આયુષ્યમાં તેમને આશરે ૫૫ વર્ષ સક્રિય પત્રકારત્વ કર્યું હતું. તેઓ એક કટારલેખક પણ હતા તેમજ તેઓ ટોચના ૨૦ પત્રકારનાં નામો નક્કી કરવામાં તેમનું નામ અચુક લેેવું પડે તેવું તેમનું યોગદાન પત્રકારત્વમાં હતું.'
આ પ્રસંગે વાસુદેવ મહેતાના દીકરા અને નિવૃત ન્યાયમૂર્તિ ધુ્રવમન મહેતાએ પોતાના પિતા વાસુદેવ મહેતાના કેટલાંક રસપ્રદ સ્મરણો યાદ કરીને તેમના વ્યકિતત્વની બીજી બાજુ શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી.