ગાંધીજી અને નેતાજી દ્રઢ પણે માનતા હતા કે સાચી આઝાદી માટે દરેક ધર્મના લોકોમાં એકતા જરૂરી છે
સરદાર આજે પોતાની પ્રતિમા જોઈને નહીં દેશ અને ખેડૂતોનો વિકાસ જોઈને ખુશ થયા હોત
1944માં જ્યારે કસ્તુરબા મૃત્યુ પામ્યા ત્યારે નેતાજીએ રંગૂનમાં રેડિયો સ્ટેશનથી શોક વ્યક્ત કર્યાે હતો
નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર પ્રો. સુગાતા બોઝે ગાંધી મેમોરિયલ લેક્ચર અંતર્ગત ગાંધી આશ્રમમાં 'મહાત્મા એન્ડ નેતાજી : અંડરસ્ટેન્ડીંગ અ સ્પેશિયલ રિલેશનશિપ' પર વાત કરી
જે દેશવાસીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની વેલ્યુ સમજતા નથી, આઝાદીની કિંમત પણ આજના નાગરિક પાસે નથી. તેમ ગાંધી આશ્રમ ખાતે યોજાયેલી ટૉક 'મહાત્મા એન્ડ નેતાજી : અંડરસ્ટેન્ડીંગ અ સ્પેશિયલ રિલેશનશિપ' માં પ્રો. સુગાતા બોઝે કહ્યું હતું. તેઓએ કહ્યું કે, આજે આપણે ગાંધીજી અને નેતાજી જેવા લીડરની જરૂર છે.
ગાંધીજી અને નેતાજી જેવા લોકોએ આપણને દેશને પ્રેમ કરતા શીખવ્યું છે. જેનો આજે ઘણા લોકોમાં અભાવ જોવા મળે છે. પાર્લામેન્ટમાં મેં તત્કાલીન નાણામંત્રીને પૂછયું હતું કે સરદાર પટેલ આજે હયાત હોત તો શું તેઓ પોતાની પ્રતિમા જોઈને ખુશ હોત કે તેમની પ્રતિમા પાછળ ખર્ચાયેલા રૂપિયા જો ખેડૂત અને બીજા કાર્યોમાં વપરાયા હોત તો ખુશ હોત. આજના ભારતવાસીઓએ મહાન નેતાઓના વિચારોને અનુસરવાની તાતી જરૂર છે.
આઝાદીની લડત માટે ગાંધીજી અને નેતાજીના માર્ગાે જુદા હતા પણ તેમનું ધ્યેય એક જ હતું. આ જ કારણથી તેઓ એકબીજાને આદર સત્કારથી જોતા હતા. તેમની વચ્ચે મતભેદો હતા પણ હરિફાઈ નહોતી. તેમની વચ્ચે ડિપ, સાયલન્ટ અને મ્યુચ્યલ સમજ હતી. એક વખત કોંગ્રેસ સંગઠનમાં ગાંધીજીના ઉમેદવાર નેતાજી સામે હાર્યા હતા, પરંતુ નેતાજી અને ગાંધીજીએ આ વાતને નકારાત્મક લીધી નહોતી. તેઓ એકબીજાની ટીકાના બદલે આદર કરતા હતા. ૧૯૪૪માં જ્યારે કસ્તુરબા પુણેમાં મૃત્યુ પામ્યા ત્યારે નેતાજીએ રંગૂનમાં રેડિયો સ્ટેશનથી શોક વ્યક્ત કર્યો હતો.
નેતાજી સુભાષચંદ્ર બીજા વિશ્વયુદ્ધનો લાભ લઈને ભારતને ૧૯૪૪-૪૫માં જ અંગ્રેજોથી આઝાદ કરાવવા માંગતા હતા
નેતાજી બીજા વિશ્વયુદ્ધનો લાભ લઈને ભારતને ૧૯૪૪-૪૫ માં જ અંગ્રેજોથી આઝાદ કરાવવા માંગતા હતા. આઝાદી માટે તેઓએ જર્મની અને જાપાન જેવા દેશોનો મદદ પણ લીધી હતી પરંતુ તેમનો માર્ગ થોડો કઠિન હતો, તેમના વિરોધીઓ પણ વધારે હતા, તેથી તેમનું આ કાર્ય પૂર્ણ ન થઈ શક્યું અને નેતાજીનું મૃત્યુ થયું છે તેવું લોકો સમજવા લાગ્યા પરંતુ ગાંધીજીને નેતાજી જીવિત છે તેવો વિશ્વાસ હતો. આ સમયે ગાંધીજીએ કહ્યું હતું કે નેતાજી સ્વરાજ વિશેનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યા વગર દેશ છોડીને જશે જ નહીં. ગાંધીજીએ પોતાની સભામાં કહ્યું હતું કે, બંગાળે દેશને માત્ર ટાગોર અને ચેટરજી જ નથી આપ્યા, બોઝ જેવા નેતા પણ આપ્યા છે.