અમદાવાદના હેમંતભાઈને કેનેડાની ક્રિશ્ચિયન બહેન મૌલી દર વર્ષે રાખડી બાંધે છે
ભાઇ-બહેનનો પ્રેમ એ જ સાચો પ્રેમ પછી ભલેને એ ભાઇ સગો હોય કે માનેલા. દરેક ભાઇને બહેન હોય અને દરેક બહેનને ભાઇ હોય એવું શક્ય નથી પરંતુ ધર્મનો ભાઇ બની સૂતરના તાંતણાના બંધનમાં બંધાઇને ભાઇ બહેન પવિત્ર સંબંધોને જીવનભર નિભાવતાં હોય છે. આવો જ અનોખો ભાઇ-બહેનનો સંબંધ અમદાવાદમાં રહેતા હેમંતભાઇ શાહ અને કેનેડામાં રહેતી ક્રિશ્ચિયન પરિવારની મૌલી રોઝ વચ્ચે છે. આપણા ભારતીય સમાજ વ્યવસ્થા અને તહેવારોને ઉત્સાહભેર ઉજવવાની જે પ્રથા છે એ વિદેશમાં નથી એવું મૌલી રોઝ કહે છે. મૌલી ૨૦૦૮માં પોતાના એક પ્રોજેક્ટ માટે અમદાવાદમાં આવી હતી અને ત્રણ વર્ષ અમદાવાદમાં રહી હતી. એ દરમિયાન કામ અર્થે તેની મુલાકાત હેમંત શાહ સાથે થઇ હતી. એ વખતે હેમંત પોતાનાથી આઠ વર્ષ મોટી એકની એક માતા સમાન બહેનનું આકસ્મિત અવસાન થતાં શોકમાં હતા.
૯ વર્ષથી અમારો ભાઇ-બહેનનો સંબંધો અકબંધ છે
'હું ખ્રિસ્તી છું અમારા દેશમાં રક્ષાબંધન, પરિવાર વચ્ચે મજબૂત રિલેશનશિપ જેવું કંઇ હોતું નથી. અહીં આ બધું જોઇને મેં હેમંતને પહેલી વખત રાખડી બાંધીને તેને ભાઇ બનાવી લીધો. હેમંત મારા કરતાં ઉંમરમાં નાનો છે મેં નવ વર્ષથી હેમંતને ભાઇ માન્યો છે.' - મૌલી રોઝ, યુએસએ
પંદર વર્ષ પહેલાં સગા બહેનનું અવસાન થયું આ દુઃખને દૂર કરવાનું કામ મૌલીએ કર્યું છે તે જ્યારે પણ ઇન્ડિયા આવે ત્યારે ફેમિલી સાથે મળવા જાઉ છું
જેણે અકસ્માતમાં એકાએક બહેન ગુમાવી હોય તેની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણી શકે. આ પીડા આજીવન હૃદયમાં ધરપાઇ રહે છે અને રક્ષાબંધન જેવા તહેવારોમાં બહેનને બચાવી ન શકવાનું દુઃખ સમગ્ર અસ્તિત્વને હચમચાવી જાય છે. આ પીડા પર મલમ લગાવવાનું કામ મૌલીએ કર્યું. મોટીબહેન તરીકે હંમેશા માર્ગદર્શન પુરું પાડે છે. મૌલીને કોઇ ભાઇ નથી અને હું ૧૫ વર્ષ પહેલાં બહેન ગુમાવી ચૂક્યો છું. એ દર વર્ષે મને રાખડી મોકલે અથવા સમય હોય તો બાંધના આવે છે.
હું શરૃઆતમાં તેને ગીફટ મોકલતો હતો પણ તે ગીફ્ટ કરતાં પ્રેમભાવમાં વધારે માને છે. તેથી એને પસંદ પડી જાય એવી કોઇ વસ્તુ મને મળી જાય તો ખરીદી લઉં છું અને મૌલી જ્યારે ઇન્ડિયા આવે ત્યારે તેને આપું છું. એ અમદાવાદ આવે ત્યારે અચુક અમારા ઘરે આવે છે પણ દિલ્હી, મુંબઇ તેને આવવાનું થાય તો અમે તેને ત્યાં મળવા જઇએ છીએ. અમારા બંનેની જોબ સોશિયલ છે, તેથી આગળ શું કરી શકાય એ અંગે તે મોટી બહેનની જેમ હંમેશા માર્ગદર્શન પુરું પાડે છે. નેગેટિવ બાબતોથી દૂર રહી પોઝિટિવ રહેવા તે મને સમજાવે છે. બાકી ફોન, વીડિયો કોલિંગ અને ઇન્ટરનેટ દ્વારા અમે સતત એકબીજાના સંપર્કમાં રહીએ છીએ.' - હેમંત શાહ, અમદાવાદ