વેરાવળથી અમદાવાદ અને રાજકોટની ટ્રેનો ચાલુ કરો
- કોરોના મહામારી હળવી થવા છતાં અન્યાય
- ઇન્ટરસિટી અને લોકલ ટ્રેનો ૧૦ મહિનાથી બંધ હોવાના કારણે યાત્રિકોને પારાવાર હેરાનગતિ
માળીહાટીના, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર
વેરાવળ - અમદાવાદ અને અમદાવાદ - વેરાવળ ઇન્ટરસિટી ટ્રેન તેમજ રાજકોટ - સોમનાથ અને સોમનાથ - રાજકોટ લોકલ પેસેન્જર ટ્રેન ચાલુ કરવાની ઉગ્ર માગણી સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.
કોરોનાનાં કારણે છેલ્લા દસ માસથી બધી જ ટ્રેનો બંધ હતી. આ ટ્રેનો હવે ક્રમ વાર ચાલુ થઇ રહી છે ત્યારે પણ સોરઠને ફરી હળાહળ અન્યાય થઇ રહ્યો છે. એવો માળીયાહાટીનાનાં સામાજિક કાર્યકર સહિતનાં આગેવાનોએ રેલવેના જીએમ અને ભાવનગર ડીઆરએમને પાત્ર પાઠવી તાત્કાલિકનાં ધોરણે વેરાવળ - અમદાવાદ અને અમદાવાદ - વેરાવળ ઇન્ટરસિટી ટ્રેન તેમજ સોમનાથ - રાજકોટ અને રાજકોટ - સોમનાથ પેસેન્જર લોકલ ટ્રેન ચાલુ કરવાની માગણી કરી છે.
રાજ્યમાં બધી ટ્રેન ચાલુ થઇ રહી છે ત્યારે હજુ સોરઠને અન્યાયનો સીલ સિલો ચાલુ રાખ્યો હોઇ એમ માત્ર ને માત્ર બે ટ્રેન ચાલુ કરી છે. સોમનાથ - જબલપુર અને રાત્રીની વેરાવળ - અમદાવાદ આ બે ટ્રેનો ચાલુ થઇ છે. વેરાવળથી સવારે ૬.૫૦ કલાકે ઉપડતી વેરાવળ - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન અને વેરાવળ - રાજકોટ વેંચેની તમામ લોકલ ટ્રેનો અને મુંબઇની ટ્રેન તેમજ પાલનપુર - સોમનાથ નવી ટ્રેન ચાલુ કરવાની પણ રજૂઆત છે.
ઉત્તર ગુજરાતમાંથી હજારો યાત્રિકો સોમનાથ દાદાનાં દર્શન કરવા અને સોરઠમાં ગિરનાર, સાસણ ગીરના જંગલમાં ફરવા આવે છે તો આ ટ્રેનો તાત્કાલિક દોડતી કરવાની ઉગ્ર માંગણી કરી છે. આ આગેવાનોએ એમ પણ જણાવેલું છે કે, હાલ ટ્રેન બંધ હોવાના કારણે હજારો મુસાફરો હેરાન પરેશાન થાય છે. જો તાત્કાલિક ટ્રેનો પુર્વવત કરવામા ંઆવશે તો રેલ્વેને ઘી કેળા જેવી આવક થશે અને મુસાફરો દુઃખી થતાં અટકશે. સિનિયર સિટીઝનની ટિકિટો અને ડીપીટી ટિકિટો બંધ કરી છે તો આવી ટિકીટો પણ તાત્કાલિક ચાલુ કરવી જોઇએ તેવું પત્રમાં જણાવેલું છે.