તાલાલા પંથકના ત્રણ ગામોમાં વીજ સમસ્યાથી ગ્રામજનોને હાલાકી
- એક સ્થળે ફોલ્ટ સર્જાય તો ત્રણેય ગામમાં અંધારા
- આંકોલવાડી ગીર, મંડોરણાં ગીર, હડમતીયા ગીર ગામના સરપંચો દ્વારા અપાતી આંદોલનની ચીમકી
તાલાલા (ગીર), તા.19 ઓગસ્ટ 2019, સોમવાર
તાલાલા તાલુકાના ગીરની જંગલની બોર્ડર ઉપર આવેલ આંકોલવાડી ગીર- મંડોરણા ગીર અને હડમતીયા ગીર ગામે દિવસે દિવસે ગંભીર બનતી વિજ સમસ્યાનું ત્વરીત નિવારણ લાવી ત્રણેય ગામમાંથી અંધારા દુર કરવા ત્રણેય ગામના સરપંચોએ માંગણી કરી છે. અન્યથા આંદોલન છેડવાની ચિમકી આપી છે.
ગીરના જંગલની બોર્ડર ઉપરના ત્રણેય ગામમાં વધતી જતી વિજ સમસ્યા અંગે આંકોલવાડી ગીર ગામના સરંચ રમેશભાઈ હિરપરા, મંડોરણા ગીર ગામના સરપંચ જ્યોત્સનાબેન કીકાણી, હડમતીયા ગીર ગામના સરપંચ ધીરૂભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે આંકોલવાડી ગીર ગામના વિજ ફિડરમાં ત્રણેય ગામનો સમાવેશ કરવામાં આવેલ છે.
ત્રણેય ગામને વિજ પુરવઠો આપતી વિજલાઈન જંગલમાંથી પસાર થાય છે. પરીણામે વારંવાર ફોલ્ટ થાય છે. એક જગ્યાએ વિજ ફોલ્ટ થાય તો ત્રણેય ગામમાં વિજળી ગુલ થઈ જાય છે. ત્રણેય ગામના સરપંચે ઉમેર્યું હતું કે છેલ્લા ત્રણ-ચાર માસથી ત્રણેય ગામમાં વિજ સમસ્યાઓ શરૂ થતા ત્રણેય ગામના ગ્રામજનોએ વિજ સતાવાળાને આવેદનપત્ર આપી ત્રણેય ગામને નિયમીત વિજળી આપવા માંગણી કરી છે. પણ ત્રણેય ગામનો અંધારપટ દુર કરવા આળસુ વિજતંત્રનું રૂવાડું પણ હલતુ નથી.
એક જ ફિડરમાં ત્રણ ગામને જોડતા વિજતંત્રના પાપે ઉભી થયેલ ત્રણેય ગામની વિજ સમસ્યા દુર કરવા નિંભર વિજતંત્ર પરીણામલક્ષી કાર્યવાહી કરી જન્માષ્ટમીના તહેવારો પહેલા ત્રણ ગામની પ્રજાની ગંભીર સમસ્યાનું સુખરૂપ નિવારણ લાવશે નહીં તો ત્રણેય ગામની પ્રજા ન્યાય મેળવવા લોકલડતના મંડાણ કરશે તેમ ત્રણેય ગામના સરપંચો અગ્રણીઓએ જણાવ્યું છે.
અંધારપટને કારણે જંગલી જનાવરો ગામ સુધી પહોંચ્યા
તાલાલા પંથકના જંગલની બોર્ડર ઉપર આવેલ આંકોલવાડી- મંડોરણા અને હડમતીયા ગીર ગામમાં શરૂ થયેલ વિજ સમસ્યાને કારણે ત્રણેય ગામમાં વારંવાર અંધારપટ છવાય જાય છે. અંધારપટનો લાભ લઈ ત્રણેય ગામમાં આવતા જંગલી જાનવરો કોઈ નિર્દોષનો ભોગ લ્યે તે પહેલા વિજતંત્ર અંધારા દુર કરે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠી છે.